પૃષ્ઠ:Veranman.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખંડેરો બોલે છે
૧૪૯
 


રાજા એભલે કહ્યું: “ફિકર નહિ, કરો લગ્નો. દર એક કન્યાને મારી પુત્રી ગણી હું એના પૂરા લાગા વાલ્યમ બ્રાહ્મણોને ચુકાવીશ. જયોતિષી ! એક શુભ દિવસના જોષ જોઈ નાખો. એક જ દિવસે હું તમામ કન્યાઓને પરણાવીશ.”

વાલ્યમોનો મદ ન ઊતર્યો. એમણે જવાબ દીધો: પહેલા પૈસા, પછી ફેરા ફેરવીશું.

પ્રજાની તેમજ પોતાની સહનશીલતા ઉપર આટલું બધું દબાણ લાવનાર વાલ્યમોની સામે રાજા એભલની આાંખો ફાટી. એણે કાયસ્થોને આદેશ દીધો “ચાલો કન્યાઓ લઈને તળાજે. ત્યાં હું કન્યાદાન દઈશ, બીજા બ્રાહ્મણોને બોલાવી ફેરા ફેરવશું."

લોકભાષામાં એભલે 'ક્રોડ કન્યાને' એક સામટું કન્યાદાન આપવાનું બોલાય છે. 'ક્રોડ' શબ્દ મોટી સંખ્યાનો સૂચક છે. હજારો તો નક્કી હોવી જોઈએ.

સર્વને પરણાવી, ડુંગર ઉપર એ બંધનમુક્તિનો મહાન લોકોત્સવ મચાવી, રાજા એભલ પાછો વળામાં આવ્યો, ત્યારે વાલ્યમોએ ફરીથી કાયસ્થોને દબાવ્યા કે “અમારા લાગા આપો, નીકર ત્રાગાં કરીશું.”

રાજા એભલે ફરી એકવાર ગોરોને તેડાવી સમાધાન માટે મહેનત કરી. પણ વાલ્યમોએ રાજાને ગાળો દીધી.

“ત્યારે હવે તો તમે મારી વસ્તી તરીકેનું રક્ષણ પણ ગુમાવો છો.” એટલું કહીને રાજા એભલ ખસી ગયો.