પૃષ્ઠ:Veranman.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
"ત્રણ જીવતા ગડૂદિયા"
૧૫૩
 

કરવાનો છે, કાં તો ચીનાઈ કિલ્લેબંદીને ભેદવી છે, નહિ તો તે દિવાલ પર સેંકડોની આહૂતિ ચઢાવી નાખવી છે. પાછા નથી ફરવું.

ઝીણે દીવે જાપાની ખાઈમાં ત્રણ જુવાનો જાગે છે. મોં પરથી હજુ માતાનું દૂધ સુકાયું ય નથી. હોઠ ઉપર પત્નીઓનાં છેલ્લાં ચુંબનોએ મુકેલી લાલપ જાણે હજુ ભીની ભીની છે. ખાઈની દિવાલોના ઓળા એવાં ત્રણ મીઠાં મોંની ઉપર મૃત્યુની આંગળીઓ ફેરવે છે. ત્રણે જુવાનો વિચાર કરે છે.

શો વિચાર કરતા હશે ? અન્ય સહુથી સવાયું પોતાનું શૂરાતન જ બતાવવાનો વિચાર ?

દેશબાંધવોનું આખું દળ કટક નાશ પામી જાય તેના કરતાં આપણા ત્રણના ભોગે જ એ સહુને ઉગારી લઈએ એવો કોઈ વિચાર ?

કે એક રાષ્ટ્રની શોણિત-પ્યાસ, બીજા રાષ્ટ્રને ખાઈ જવા માટે પોતાના હોઠ ઉપર જે 'દેશપ્રેમ'ની મધુર લાલી લગાવે છે તેવા કોઈ દેશપ્રેમ ઉપર ખતમ થઈ જવાની પશુતા જ તે ત્રણેનાં હૃદયમાં જાગતી હતી ?

કોણ જાણે ! કોઈને નથી ખબર, કે એ ત્રણેના મધરાતના મનસુબા શા શા હશે.

પરોડ થયું. ત્રણે જુવાનો એ ખાઈનો મુકામ છોડ્યો. કોઈ ન જાણે તેવી ગુપ્ત રીતે દોડ્યા. હાથમાં સળંગ બાર ફુટ લાંબા અને ત્રણ તસુ પહોળા વાંસની લાંબી, વજનદાર નાળી હતી. નાળીમાં ઠાંસોઠાંસ દારૂગોળો ભર્યો હતો.