પૃષ્ઠ:Veranman.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વડવાંગડું
૧૫૯
 

મહિનાનું: તમારા અલ્પજીવી ઘસડબોળામાં ન ક્યાંય ભાષાશુદ્ધિ, ન સાહિત્યશુદ્ધિ, ન શ્રમ, ન તપ, ન તિતિક્ષા ન સંયમ, ન વ્યાકરણ, ન સાચો લેખ...”

“હેં ! હેં–હેં ! હુ–હુ-હુ” એવો એક શોર ઊઠ્યો. છાપાંઓએ નૃત્ય માંડ્યું, એક પછી એક છાપું બીજાને ગળી જવા માંડ્યું, ને છેલ્લે જે રહ્યું તે સળગી ઊઠ્યું.

એ ભડકામાંથી એક માનવ આકૃતિ સર્જાવા લાગી. ભડકો ચાલ્યો ગયો. માનવી સ્પષ્ટ દેખાયું.

ખુરસી પર બેઠેલું, ટેબલ પર ઢળેલું, પસીને રેબઝેબ, ચોર જેવી આાંખો, ગાલમાં ખાડા, લમણે ટેકવેલો ડાબો હાથ, એ હાથમાં અરધી સળગેલી સિગારેટ, જમણા કરમાં કલમ: કલમ જાણે કોઈ સમળીની ચાંચ મુર્દાં ઠોલી રહી હોય તેટલી ઝડપથી લખી રહી છે.

સામે પડ્યો છે એક ચહાનો કપ, એક ગંધાતી પાનપટી, ઠેર ઠેર રાખની ઢગલીઓ.

નીચે ક્યાંક યંત્રમાળ પ્રસવ-વેદનાની કીકીઆરીઓ પાડે છે. ઘંટડીના શોર પટાવાળાઓની ઝોલે જતી આંખોને હેબતાવે છે. ટેલીફોનની ટોકરીઓ જગતમાં કોઈ લાય લાગી હોવાનો ભાસ કરાવે છે.

આ દેખીને હું ચોંક્યો. મને એ લખતું માનવી કોઈ કાળી ચૌદશની સ્મશાનરાત્રિમાં ચાલતી તાંત્રિકની સાધનાના નર-બલિ જેવું ભાસ્યું.