પૃષ્ઠ:Veranman.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વડવાંગડું
૧૬૧
 

“વારૂ ! વારૂ !” મેં સુગાઈને વચ્ચે પૂછ્યું: “તે આટલું બધું ક્ષણજીવી જ શા માટે લખ્યા કર્યું ?”

“જગતના ચિરંજીવી પ્રવાહને વહેતો રાખવા માટે.”

“વાહ ! આવું સૂત્રમય વાક્ય તું બોલી શકે છે ?” મને વિસ્મય થયું: “તારું નામ ?”

“મારે નામ છે જ નહિ, એકાદ તંત્રીના નામની નિત્યજલતી જ્વાલામાં મારાં અનેક નામો ખાક થયાં છે.”

“ત્યારે તો “ગ્રંથ અને ગ્રંથકાર"ના કોઈ જ ખંડમાં તું અમર નહિ બનવાનો. એ તો ઠીક, પણ તું હમેશાં ગરમાગરમ થઈને શા સારુ લખે છે ?”

“માલિક કહે છે કે છાપું ખપતું નથી. વેચાણ કમતી થશે તો સ્ટાફ ઓછો કરશું, તે માટે.”

“તું મહાસભાવાદી છે? કે સામ્યવાદી ?”

“હું કશા જ વાદનો અનુયાયી નથી. હું તો છું સ્વાર્થસંગ્રામમાં કોઈ પણ એક પક્ષેથી લડી કપાઈ જનારો ભાડુતી સિપાહી.”

“સામાવાળાને ગલીચ શસ્ત્રોથી લોહીલુહાણ કરવામાં તને શી મજા પડે છે ?”

“સામવાળાને ? નહિ. એ શસ્ત્રો હું મને પોતાને જ મારું છું. ભિન્ન ભિન્ન શરીરો રચીને હું જ પરસ્પર મારું જ લોહી છાંટું છું. હું તો એકનો એક જ છું. જીવવા માટે જ જૂજવા મારા દેહ-ટુકડાને લડાવું છું.”