પૃષ્ઠ:Veranman.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૨
વેરાનમાં
 


“તારી છપાઈની જોડણી તો જરી જો ! તારાં લખાણોની છાતી પર ચડતી જાહેર ખબરો તો નિહાળ. તારા તરજુમા ને તારા અહેવાલોની કઢંગાઈ તો તપાસ.”

“વિવેચક !” એ માનવીએ ખાંસીનો એક બડખો થુંકી પછી સિગારેટની એક ધુંટનાં ધૂમ્ર-ગુંચળાં ચઢાવતાં હસીને કહ્યું : “ભાષા, વિચારો, રૂપ, રંગ, ઉઠાવ, વગેરે માટે મેં આજે એક સૈકાથી જે કર્યું છે તેનો ઈતિહાસ એક દિવસ લખાશે. તે દિવસે તમે એને વાનઙ્મયને ગ્રંથ કહી અવલોકજો ને મેં શું કર્યું છે તેનું માપ કાઢજો. અત્યારે તો માલિકના મોંયે 'સાહિત્ય-વાયડો' ગણાઈ હાંસી પામતો, ને સાક્ષરોની પરિષદોમાં 'લેભાગુ' લેખાઈ હડધૂત થતો, પશુ ને પક્ષીની વચ્ચે વડવાંગડા જેવો હું મારા લોહીનું પાણી કરૂં છું. તમારી વાર્ષિક આલોચનામાં મારૂં નામોનિશાન છો ન આવતું. હું તો જાગુ છું ને જાગ્યા કરીશ, મારી સ્ત્રીના ને મારા બાળકના પેટને ખાતર.

યંત્રની કીકીઆરી બોલી, માનવીએ લખવા માંડ્યું અને એ એકમાંથી મને સેંકડો હાડપીંજરો નીકળતાં, લથડીઆાં લેતાં નજરે પડ્યાં.

હું જાગ્યો ને વિચારમાં પડ્યો.

વર્તમાનપત્રોનો ફાળો વાઙ્મયમાં ખરો કે નહિ ? આ તંત્રીઓ ઉપતંત્રીઓએ ભાષાનું ઘડતર ને વિચારઘડતર કર્યું કહેવાય કે નહિ ?