પૃષ્ઠ:Veranman.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિદુષક : કંપોઝીટર : સાહિત્યસ્વામી
૧૬૫
 


પંદર જ દિવસમાં મેં ઉપરાછાપરી વીસ વાર્તાઓ લખી કાઢી. તેમાંની કેટલીક મેં ગોર્કીને મોકલી, ગોકીંએ મને જવાબમાં લખ્યું કે હવે વધારે લખતા પહેલાં વધુ અભ્યાસ કર અને વાંચન વધાર.

તે પછીનાં બે વર્ષ સુધી મેં અક્ષર પણ ન લખ્યો. બાકીના આખા જીવનમાં હવે કદી નહિ વાંચું તેટલાં તો પુસ્તકો વાંચી કાઢ્યાં.

પછી દેશમાં આાંતરવિગ્રહ મંડાયો, હું સાહિત્યને વીસર્યો. ભાષણખોરીમાં પડ્યો, રાજકારણી લેખો ઘસડવા મંડ્યો, ને છેલ્લે રાષ્ટ્રીય લશ્કરમાં ભરતી થઈને લડાઈ લડવા ગયો.

લડવા તો ગયો એવી ભવ્ય ભાવનાથી કે માનવજાતનું સુખ જોખમમાં પડ્યું છે. પણ કહેતાં શરમ આવે છે કે ડરીને હું યુદ્ધમાંથી રફુચક થઈ ગયો, ને જંગલોમાં છુપાયો.

રશીયા સ્વાધીન બન્યા પછી ૧૯૨૦ માં ગોર્કીએ મને લેનીનગ્રાડ નગર સુધી પહોંચતો કર્યો. પ્રથમ તો હું ભૂખે મરું મરૂં થઈ ગયો. ગોર્કી તો મોસ્કોમાં હતા, ને હું અહીં લેનીનગ્રાડમાં કોઈને ઓળખતો નહોતો.

ગોર્કી જ્યારે પાછા આવ્યા ત્યારે એમણે મને હાથ કર્યો, ને મને પેટ ભરીને ખવરાવ્યું. ખાતાં ખાતાં હું શરમિંદો બન્યો ત્યારે ગોર્કીએ એની મૂછના થોભા જેવા જ બથ્થડ, ધીંગા, ધીરા અવાજે મને કહ્યું હતું કે “હરકત નહિ હરકત, ખા તું તારે ખા, ભુખડી-બારશ !"