પૃષ્ઠ:Veranman.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
તણખો ક્યાં હતો?
૧૬૯
 

બહાર કાઢ્યું. તેમાંથી તેમજ ખેડુતો ગોવાળોની તળપદી બોલીમાંથી એણે શુદ્ધ ઝેક શબ્દો વીણ્યા.

આ શબ્દોને શું એણે એમ ને એમ સ્વીકારી લીધા ? ના, એ જુના શબ્દોમાં તેમજ પ્રયોગોમાં પડેલી વિચારવહનની તાકાદ, ખુબી, તેમજ કાવ્યમાં એને ઝીલવાની યોગ્યતાનું માપ એણે દેશી સાહિત્યવિભૂતિઓનાં ભાષાન્તરો કરી કરીને કાઢ્યું.

એવી પદ્ધતિથી એક ભાષાનું ખમીર પુરવાર કરનારો ખરો ગ્રંથ તે મીલ્ટનનો 'પેરેડાઈઝ લોસ્ટ' નામનો કાવ્યગ્રંથ નીવડ્યો. એનું ભાષાન્તર જંગમાને ૧૮૧૧માં પ્રસિદ્ધ કર્યું. એ અનુવાદની ફતેહ એટલે કે ઝેક સાહિત્યના નવસર્જનયુગનું મંગલ પગલું.

જંગમાનનો સાદ ફોગટ ન ગયો. તત્કાળ ખાતરી થઈ ગઈ કે રાષ્ટ્રનો પ્રાણ કેવળ પોતાના ઉચ્ચારણની વાણીની જ રાહ જોતો તલપાપડ ઊભો હતો. ઓગણીસમી સદીની પહેલી પચીશીમાં એ આત્મોદ્ધારનો પ્રારંભ થયો–નવાઈ નથી કે એ પ્રારંભ ઊર્મિકાવ્યો તથા મહાકાવ્યોથીજ થયો. બીજી પચીશીમાં તો ગદ્ય પણ આવી પહોંચ્યું.

મહાયુદ્ધને પરિણામે એક પ્રજાને સ્વાધીનતા મળી. શુદ્ધ લોકશાસન મળ્યું. એ સ્વાધીનતાએ પ્રજાની સાહિત્યદૃષ્ટિને વિશાળ પટ અપાવ્યો. ઝેક સાહિત્યકારો સ્થાનિક તથા રાષ્ટ્રીય જીવનના સીમાડા ઓળંગી જગતભરની ભોમને નિરખવા નીકળ્યા. અને આાંતરરાષ્ટ્રીય સાહિત્યની અસરોમાં ઝબકોળાયા.