પૃષ્ઠ:Veranman.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હું કોણ છું?
 
[૧]

"aa કોણ છે?” સભાગૃહમાં શોર ઉઠ્યો.

“મહારાણીજીના સ્વામી સરકારને પંદર લાખનું વાર્ષિક સાલીઆણું આપવાની ના પાડનાર આ આદમી કોણ છે ?”

“આટલી બધી ધૃષ્ટતા ! આ કપાએલા હોઠવાળો, કુબડો, અસભ્ય જંગલી સભાસદ કોણ છે?”

ઉમરાવોનું સભાગૃહ ગણગણી ઊઠ્યું. ઉમરાવે એકબીજાને ઈસારા કરી, ભવાં ચડાવી, એ વિરોધ કરનાર અકેલા નવા ઉમરાવની સામે ડોળા તાણી રહ્યા.

દેશની તવારીખમાં કદી ન બનેલું આજ બન્યું છે. રાજનિષ્ઠ ઠકરાતોનો એક ઠાકોર જ ઊઠીને મહારાણીજીના સ્વામી સરકારનું સાલીઆણું નાકબુલે છે !