લખાણ પર જાઓ

પૃષ્ઠ:Veranman.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હું કોણ છું?
૧૯
 


'હસતો માનવી' એ હાસ્ય તળે અનંત રૂદનને ઢાંકી બજાણીઓ બન્યો હતો. આજે નવી રાજખટપટે એને પાછો ઠાકોરપદે સ્થાપ્યો છે.

આજે પહેલી જ બેઠકમાં એણે ઉમરાવગૃહની તવારીખને એબ લગાડનારું વતન કર્યું છે.

“કોણ છે તું ?” સભાપતિએ ભ્રુકૂટી ચડાવી: “ક્યાંથી આવે છે તું ? ”

એણે જવાબ દીધો:- “ હું આવું છું ઉંડાણમાંથી: નીચલા થરમાંથી: ધૂળની અંદરથી.”

પછી એણે અદબ વાળી, સભાસદોની સામે નજર ચોડી કહ્યું:

“હું કોણ છું ? હું કંગાલીઅત છું, હું હાડપીંજર છું. તમને ભાગ્યવંતોને હું બે શબ્દો કહેવા આવ્યો છું. સાંભળો.”

[૨]

"તમે પૂછો છો હું કોણ છું ? હું નારકી છું, ઠાકોરો, તમે સાંભળો.”

સભાગૃહમાં સોંસરી કમ્પારી ચાલી ગઈ. બધું સ્તબ્ધ બન્યું. 'હસતા' માનવીએ આગળ ચલાવ્યું:–

“તમે અટારીના વસનારા છો. ભલે રહ્યા. ભગવાનને ય એવું કરવાનાં કંઈક કારણો હશે. તમારી પાસે અસીમ સત્તા છે. અખાંડિત મજા છે. અન્યની દશાની મીઠી વિસ્મૃતિ છે. ભલે રહ્યાં."