પૃષ્ઠ:Veranman.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦
વેરાનમાં
 


ચાર મહિના વહી ગયા.

પણ મારી સામે ન એક અપશબ્દ, ન તિરસ્કાર, ન દુષ્ટ કટાક્ષ. ખિલખિલ હાસ્યવિનોદ કરતી છોકરીઓ મને આવતી ભાળે એટલે ચુપાચુપ: જાણે પોતાની મા આવે છે એટલી મારી અદબ.

હું ઈસ્પિતાલે સૂતી. જુવાન દાક્તરો, મેડીકલ કૉલેજના વિદ્યાર્થીઓ, સઘળા મને ઘેરી વળ્યા. મારી સારવારમાં ગર્વ અનુભવ્યો. કેટલી બધી દિલસોજી ! કારણ—હું પતિવિહોણી હતી. રઝળી પડેલી હતી. એટલે મારી જવાબદારીને એ સહુએ પોતાની સહિયારી કરી લીધી.

એવી માનવ–હુંફ વચ્ચે મારા ઉદરનો અતિથિ આવી પહોંચ્યો.

*

તે પછી ત્રણ ચાર મહિને:

બાબાને બાબાગાડીમાં સુવાડી હું બગીચે લઈ ગઈ હતી. બાંકડા પર બેસી હુ મારો પાઠ વાંચતી હતી. બાબો સૂર્યનાં કુંણાં કિરણોને ઝાલવા સુંવાળી હથેળીઓ ઉઘાડતો ને બીડતો હતો. વસંતનું પ્રભાત હતું.

ઓચિંતાનું મેં ઊંચું જોયું. દૂરથી મેં એને દીઠો - ઓળખી પાડ્યો – બાબાના ...ને.

અમારી આાંખો મળી. એ ઝંખવાઈ ગયો. લાગ્યું કે એ સરીને ચાલ્યો જશે. ચાલ્યો, પણ અટક્યો, મને વંદન કર્યાં. મેં વારં વાર નમી વંદન ઝીલ્યાં.