પૃષ્ઠ:Veranman.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દીકરાની મા
૩૩
 


“માડી, તું આંહીં આવીશ ?”

થીગડાવાળા સાડલાને છેડે ધોયેલા હાથ લૂછતી મા આવી. બેઠી. જાણે કશુક નવું કૌતક થવાનું હતું.

દીકરાએ ધીરા પણ મક્કમ સ્વરે કહ્યું :

“માડી, હું મનાઈ થએલી ચોપડીઓ વાંચું છું. આ ચોપડીઓ વાંચવાની મનાઈ શીદ થઈ છે, ખબર છે માડી ? ઈ આપણાં મજૂરોની સાચી વાતું લખે છે ને, તે સાટુ. મને જો કોઈ આ વાંચતો ભાળી જાયને, તો માડી, મને કેદખાને નાખે. મારે સાચી વાતું જાણવાનું મન છે એટલા સારુ જ મને હાથકડી પે’રાવે, સમજીને મા ?”

માની મોટી મોટી આાંખો દીકરાના મોં સામે ઠરી. એ આાંખોમાં કુંડાળે ફરતી સરવાણીઓ ફૂટી.

“પણ તું રોવછ શા સારું મા ?” બોલતો દીકરો, જાણે કોઈ લાંબા કાળની વિદાય લેતો હતો.

“રોવાનું શું છે મા ? વિચાર તો કર માડી, તારું જીવતર કેવું વીતી રહેલ છે ? તુંને બે વીસું વરસ થયાં. પણ તને લાગે છે કે તું જીવતી છે ? મારો બાપ તુંને પીટતો. બચાડો પોતાના જીવતરની દાઝ તારા ઉપર ઉતારતો. ત્રીસ વરસ એણે કારખાને સંચા ખેંચ્યા તોયે દુ:ખનું દુ:ખ, દુ:ખ ક્યાંથી આવે છે એની કશી ગમ જ ન પડે બાપડાને. એટલે પછી તને પીટે.

“આ મીલ પ્રથમ બે જ છાપરામાં સમાઈ જાતી'તી ત્યારથી મારો બાપો રિયો’તો. બેમાંથી સાત કારખાનાં જામ્યાં, તોય એની દશા ઊંચે ન આવી.