પૃષ્ઠ:Veranman.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪
વેરાનમાં
 


“માડી, કારખાનું વધતું જાય, ને લોકો એ વધારતાં વધારતાં મરતાં જ જાય - એમ શા સારુ થાય છે તેની મારા બાપને જાણ નો’તી, એટલે જ એ તારો બરડો ફાડતો.

“માટે હું ચોપડીયું વાંચું છું મા ! મારે સાચી વાતું જાણવી છે.”

“તું સંભારી જો મા ! તે અવતાર ધરીને કયું સુખ દીઠું છે ? મારે બાપે તને માર માર કર્યું, ને બાપ મુઆ પછી મેંય દારૂ પી પી તને સંતાપી - પણ આનું કારણ શું ? હેં... માડી ? સાંભળ...”

*

એમ કહીને દીકરો આખું ભાષણ કરી બેઠો. જન્મ ધરીને પહેલી જ વાર આ મજૂર માતાએ પોતાને વિશે આવા ઉદ્ગારો સાંભળ્યા.

પાડોશણો સાથે પોતે કૈંક વાર વાતો કરી હતી : પોતાને વિશે તેમજ બીજી અનેક બાબતો વિશે : પણ એ વાતોમાં શું હતું ?

ફક્ત રોદણાં.

કોઈ નહોતું કહી શક્યું કે જીવતર આવું દુઃખદાયક હોવાનું કારણ શું ?

આજે એ વાત એણે પહેલી જ વાર સાંભળી – દીકરાને મોંએથી. એના હૈયામાં કૈંક સૂતેલા ભાવ સળવળ્યા. અંતઃકરણના થીજેલા ડુંગર ઓગળ્યા.