પૃષ્ઠ:Veranman.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દીકરાની મા
૩૫
 


“પણ બચ્ચા ! તો હવે તારે કરવું છે શું ?”

“વાંચીશ, સમજીશ અને બીજા સહુને સમજાવીશ, કે ભાઈઓ, આપણા આ હવાલનું મૂળ કારણ શું છે હેં ભાઈઓ ?”

“પણ બાપ ! તું શું કરી શકવાનો ? માણસું ભેળાં થઈને તને ભૂંસી નાખશે. તને રદબાતલ કરી દેશે.”

“તું સમજી નથી માડી ! જો સાંભળ.” એ વચનને વારવારે ઉથલાવી દીકરાએ માના દિલ પર નવા જ્ઞાનનું જાદુ છાટ્યું.

“હશે ત્યારે બાપા ! એમજ હશે. હું શું જાણું ? તું કહે છે તેમજ હશે.”

આ એક જ જવાબને માએ પુત્રની સમજાવટનું વિરામચિહ્ન બનાવ્યું. હર વાકયે ને હર ઉદ્ગારે-“ તો પછી એમ હશે બાપા ! હું રાંડ શું જાણું ? એમ હશે ! તું કહે છે તેમજ હશે ! ?”

“ત્યારે મા ! હવે તું મારા કામની આડે નહિ આવને ?”

“ના બેટા, હું તારું કામ નહિ બગાડું. પણ ભાઈ જોજે હો ! ચેતતો રે'જે હો ! ગાફલ બનીને કાંઈ બોલી નાખતો નહિ. લોકોથી ચેતતો રે'જે. લોકોમાં અંદરોઅંદર ઈર્ષા અદાવતનો પાર નથી. ને તું જો લોકોની પોતાની ભૂલ બતાવવા ગયો તો તો તારું આવી જ બન્યું જાણજે બચ્ચા ! લોકો તને પીંખી જ નાખશે. ચેતીને ચાલજે મુઆં લોકોથી.”

પુત્ર ઊભો હતો. “લોકો” વિશે માનું ભાષણ એણે સાંભળી લીધું. પછી મોં મલકાવીને એણે કહ્યું: