પૃષ્ઠ:Veranman.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬
વેરાનમાં
 


“માડી ! સાચું છે. લોકો તો બાપડાં એવાં જ છે. હું ય લોકોથી ડરતો, લોકોને ધિઃકારતો. પણ હવે મને નોખું ભાન થયું છે. મા, તમામ લોકોનાં પેટ મેલાં નથી. માણસની અંદર સાચ પણ પડ્યું છે હો મા ! સાચ પડ્યું છે એ સમજ્યા પછી મારું દિલ કૂણું બન્યું છે. મારા દિલની કડવાશ ઊતરી ગઈ છે. સમજી માડી ?”

—મોડી રાતે પુત્ર સૂતો હતો ત્યારે મા ઊઠી; સૂતેલા દીકરાના મક્કમ મુખભાવ પર ઝળુંબી રહી. બોર બોર જેવડાં આાંસુઓ માની આાંખમાંથી પડતાં હતાં.

[૨]

રસાદમાં ભીંજાઈને દીકરાના ભાઈબંધો ડોશીને ઘેર આવ્યા. છુપા મેળાપનું એ ઠેકાણું હતું, મા સહુને સંઘરતી. મધરાત હતી.

“બચારા ટાઢે ધ્રૂજે છે. લ્યો, હું સૂંઠ મરી નાખીને ચા કરી દઉં.”

જુવાનો વિચારતા હતા:

“મા છે કાંઈ મા ! એકલા પબલાની નહિ, આ તે આપણી સહુની મા.”

“પરભુના ઘરનું માણસ.”

“પરભુની વાત બોલશો મા ભાઈઓ !” માનો દીકરો બોલી ઉઠ્યો. “પરભુએ જ દાટ વાળ્યો છે દુનિયાનો.”