પૃષ્ઠ:Veranman.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દીકરાની મા
૩૭
 


બીજાએ ટાપસી પૂરી: “પરભુએ પણ આપણને ભારી બેવકૂફ બનાવ્યા હો ભાઈ !”

ચૂલા પાસે હવાઈ ગયેલા કોલસા ફુંકતી મા ઊભી થઈ, નજીક આવી, સહુની સામે હાથ જોડ્યા, બોલી.

“તમારે બીજું ઠીક પડે તે કરો કે બોલો; પણ મારા પરભુ માટે કશું ય ઉચ્ચાર્યા પહેલાં વિચાર કરજો. હું હાથ જોડું છું. ચેતીને ચાલજો.”

છોકરા ઝંખવાયા. માએ ફાટેલ છેડે આંખો લૂછી માંડ શબ્દો ગોઠવી સંભળાવ્યું:

“તમને તો તમારી મહેનતનો બદલો મળે એટલે તમારે બીજાં કશાની પડી નથી. પણ બચ્ચાઓ ! મારી કનેથી જો તમે મારા પરભુને આંચકી લેશોને, તો મારા દુઃખમાં મારે બીજા કોઈનો આધાર નહિ રહે.”

મા રડી પડી. પ્યાલા રકાબી ધોવા બેઠી. આાંગળીઓમાંથી પ્યાલા પડી જતા હતા, હાથ ધ્રૂજતા હતા.

“પણ માડી !” દીકરાએ કહ્યું: “તું અમારી વાત સમજી નથી લાગતી.”

માએ સામે જોયું, પુત્રે કહ્યું:

“મા ! હું જે કહેતો'તો ને, તે કાંઈ આપણા બધાના પરમકૃપાળુ ને વિશ્વવ્યાપી પ્રભુને વાસ્તે નહિ; હું તો કહેતો'તો ઓલ્યા પૂજારીઓના ને આચાર્યોના પ્રભુને વાસ્તે; આ બધા બાવા સાધુઓ આપણને જેની ડરામણી દેખાડે છે ને, એ પ્રભુને વાસ્તે; ધનવાન ને નિર્ધન વચ્ચે જેના નામની ભીંતો ચણાયેલ છે ને, એ પ્રભુને વાસ્તે.”