પૃષ્ઠ:Veranman.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


રોજ સાંજે
 


જીકની એક ગલીને નાકે બે ઓરતો ઊભી રહે છે: રોજેરોજ : બરાબર સાંજના ચાર બજે : સામેના છાપખાના ઉપર તાકીને ઊભી રહે છે.

જાહેર રસ્તા પર રોજેરોજ સાંજના સમયે મુકરર કલાકે બે ઓરતનું ઊભા રહેવું ! રાહદારીઓનું ધ્યાન ખેંચાય છે. ઉંચી બારીઓમાંથી આંખો મંડાય છે.

ભિખારણો છે ?

નહિ, શરીર પર સાફ પોશાક છે, હાથ લંબાતા નથી, શબ્દ બોલાતા નથી. બીજી કોઈ બાબત પર એની દષ્ટિ નથી. ચારે આંખો છાપખાનાનાં બારણાંપર ચોટી છે.

છુપી પોલીસની જાસુસો છે.

નહિ, જાસુસો તો ચબરાક હોય. પોતાનું હોય તે સ્વરૂપ તો છુપાવે. શંકાને કે કુતૂહલને એ ન નોતરે. આ બન્ને તો પ્રગટ ઊભી છે.