પૃષ્ઠ:Veranman.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦
વેરાનમાં
 


અચાનક રંગમાં ભંગ પડ્યો, ચાર વરસને એક કંગાલ છોકરો દોઢ વર્ષની – જાણે ગટરમાંથી ઉપાડી આણી હોય તેવી એક છોકરીને તેડીને સ્ટેજ પર આવ્યો ને એણે ખૂમ પાડીઃ

“મા, એ મા, ભેંણ ભૂખી હુઈ હૈ. મા, ધવરાવગી ? મા...મા...મા...”

“હટ, હટ, હોટ એય બેવકૂફ !” એ હાકલ કોની હતી ? કવિની પોતાની જ: "કોણ છો તું ગમાર?”

છોકરાની કમર પર છોકરી ડઘાઈ ગઈ. છોકરાએ કહ્યું: “ મેરી મા – મેરી મા કાં હે ? મેરી ભેંણ ભૂખી-”

“અત્યારે તારી મા ! અત્યારે તારી બહેનને ધવરાવવા તારી મા નવરી છે ? જોતો નથી ? ઉતર ઝટ નીચો.”

એટલું કહીને કવિએ મિત્રો તરફ જોયું: “છે ને ડફોળ ! બરાબર અત્યારે ધવ—” કવિ હસ્યા. મિત્રો હસ્યા, નટનટીઓ હસ્યાં.

છોકરાની વાંકી વળેલી કેડે છોકરી રડવા લાગી. રમતી દેવકન્યાઓ તરફ લાંબા હાથ કરવા લાગી. એક દેવકન્યા જુદી પડી, નજીક આવી. છોકરીની સામે તાકી રહી.

“કેમ મરિયમ ! શું છે ?” ડાયરેક્ટરે બૂમ પાડી.

"મેરી લડકી હે – ભૂખી હે一”