પૃષ્ઠ:Veranman.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચોપડીઓનો ચોર
 


"જુવાન આરોપી, યુનીવર્સીટીના પુસ્તકાલયમાંથી તેં આઠ વાર પુસ્તકો ચોર્યા, એવો હું તારા પર આરોપ ઘડું છું. તારે કશું કહેવું છે ?”

“જી હા નામદાર !” વીસ વર્ષના કેદીએ પીંજરામાંથી જવાબ આપ્યો: “આઠે ગુના હું કબૂલ કરૂં છું, એ ઉપરાંત બે વાર બીજા પુસ્તકાલયમાંથી પણ પણ મેં ચોપડીઓ ચોરી છે તે પણ તોહમતનામાની અંદર ઉમેરો.”

એકંદર પ૦૮ પુસ્તકોની એણે ચોરી કરી હતી. કુલ કિંમતનો સરવાળો એક હજાર રૂપિયા નક્કી થયો.

“તેજસ્વી જુવાન, વિદ્યાર્થી તરીકેની તારી કારકીર્દી આટલી ઉજ્જવલ: પરીક્ષામાં તું સહુની ટોચે: વિદ્યાલયની અંદર શરીરની તેમજ બુદ્ધિની તમામ હરિફાઈઓમાં તું પહેલું ઇનામ જીતનારો: ખૂદ રાજાજીએ સ્વહસ્તે તારી છાતી પર સોનાનો ચંદ્રક પહેરાવ્યો:- તને ઊઠીને ચોપડીઓ ચોરવાનું કેમ સૂઝ્યું ?"