પૃષ્ઠ:Veranman.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બીજી આવૃત્તિનું
નિવેદન

પત્રકારત્વના ‘વેરાન’માંથી વીણેલાં આ પુસ્તક માંહેનાં પુષ્પો મને હમેશાં પ્રિય રહ્યાં છે. આજે પણ વર્ષ પછી વર્ષ ચાલુ રહેલી એ વેરાનની વાટે, ભાઈશ્રી ઈશ્વરલાલના ઉત્સાહને લીધે મને આ પુષ્પોના પ્રુફવાચનનો પુન: મધુ-આસ્વાદ સાંપડ્યો છે. ઘણાં વર્ષો બાદ જૂની વેરાનદશાના મારા એ મહાપ્રાણ સાથીઓ-વિક્ટર હ્યુગો, રોમાનોવ, ગોરકી વગેરેને સંપર્ક તાજો થયો છે. બધા પ્રસંગોએ પોતાની અખૂટ તાજગીથી પુનઃ અંતરમાં સૌરભ મૂકી છે.

વેરાનની વાટ તો કોણ જાણે ક્યારે પૂરી થશે. આવરદાને છેડે પણ આપણી ઝંખનાનું કુસુમ-કાનન કદી કોઈ માનવીને ભાગે આવે છે કે નહિ તે તો ખબર નથી. મોટા ભાગને તો એની પ્રાપ્તિની આશાએ દોડ્યા જવું એ જ નિર્માણ છે. મારૂં યે એવું હોય તો ભલે હો, ફક્ત જો આવાં પુષ્પો માર્ગે મળતાં રહેશે તો મજલ ખેંચી શકવાની મુરાદ છે.

ભાઈશ્રી ઈશ્વરલાલ અને લક્ષ્મીદાસના સ્નેહથી મારા આજ સુધીના સાહિત્યસૃષ્ટિમાંના પરિભ્રમણના બીજા વિવેચનલેખો, આંદોલનો અને શબ્દચિત્રોનો સંગ્રહ પણ છપાવા જાય છે. મારી શબ્દ-યાત્રામાં રસ લઈ રહેલ વિશાળ વાચકવૃંદને, એમાંથી પણ આનંદ લાધશે એવી ખાતરી થયા પછી જ એ સાહસ ખેડ્યું છે.

રાણપુર : ૧૦-૨-'૪૪
ઝવેરચંદ મેઘાણી