પૃષ્ઠ:Veranman.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.વીણાને નહિ વેચું
 


નૂતન રશિઆના સાહિત્ય-કોષમાં એક શબ્દ છે: 'યેસેનીનીઝમ.'

એ શબ્દ ઉપર વિસ્તારથી લેખો લખાયા છે, ભાષણો થયાં છે, ચર્ચાઓ ચાલી છે.

પ્રજાની નવરચનાના મહાકાર્યમાં યુવાનોને થાક લાગે, નિરૂત્સાહ અને વિષાદ વ્યાપે, ને એ હતાશામાંથી યુવાન માનસ સુરાપાન, રંગરાગ તથા વિલાસમાં લસરી પડે, તો તે મનોદશાને માટે રશિયન જ્ઞાન-કોષે સૂચક શબ્દ ઠેરાવેલ છે – યેસેનીનીઝમ.

તરંગી પ્યારની ઘેલછા અને છેવટે આત્મહત્યા: આ છે આ 'યેસેનીનીઝમ'નાં બે જાણીતાં અંગો.

'યેસેનીન-ઈઝમ' : એ શબ્દની પાછળ કરૂણ એક જીવન-કથા છે.

યેસેનીન એ રશિયાના એક કવિનું નામ છે. એ ગ્રામ્ય જીવનમાંથી પાકેલો કવિ હતો, એનું કવિત્વ વિશુદ્ધ હતું.