પૃષ્ઠ:Veranman.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪
વેરાનમાં
 

કારણ કે એ વાદમુક્ત, નિર્વ્યાજ, અને શુદ્ધ સ્વાનુભવની જ ઊર્મિ એ ગાનારું હતું.

ચોક્કસ હેતુ, હેતુ પાર કરવાની ચાતુરી, આવડત, વિદ્યાનું વિજ્ઞાન–એવું કશું જ એના કાવ્ય-સુરોમાં નહોતું. આવા કાવ્ય–સૂર સો વર્ષે એકાદ બેથી વધુ વાર નથી સાંભળવા મળતા.

સ્કોટલૅન્ડના વિખ્યાત ગ્રામ-કવિ બર્ન્સની માફક રૂસ કવિ યેસેનીન પણ પાટનગરમાં આવીને રહ્યો હતો. એનાં ગીતોમાંથી ગ્રામ્ય રશિયાની કૂંણી ચાંદની દ્રવતી હતી ને ગામડિયા ચોરાઓના ઘંટારવ ગુંજી ઊઠતા. એના લોકજીવનમાંથી ઉઠાવેલા સૂરોએ રાજધાનીના નગરમાં એને કીર્તિ દીધી. રાજક્રાંતિ આવી તે પૂર્વે જ એ સુપ્રસિદ્ધ બન્યો, પોતાનાં ગીતો સમ્રાજ્ઞી ઝરીના સમક્ષ જઈને ગાઈ બતાવવાનું એને નિમંત્રણ મળતું.

“સુંદર ગીતો.” સમ્રાજ્ઞી ઝરીના તારીફ કરતી: “પણ અતિ ગમગીન ગીતો.”

“સારું રશિઆ જ એવું ગમગીન છે રાણીજી !" કવિ જવાબ દેતો.

પછી જ્યારે બૉલ્શેવીક ક્રાંતિ પધારી, ત્યારે એવા તો ફક્ત છ જ સાહિત્યકારોએ એ ક્રાંતિને તત્કાલ તેમજ મુક્ત શ્રદ્ધા સાથે સ્વીકારી, કે જેમને ક્રાંતિનો પક્ષ લેવા જતાં પોતાનું ઉચ્ચ સ્થાન ગુમાવવાનું હતું. એ છમાંનો એક હતો યેસેનીન.