પૃષ્ઠ:Veranman.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬
વેરાનમાં
 

ગાન નવા યુગના અગ્રણીઓને ન સમઝાયું. જે ગાનમાં કાર્લ માર્ક્સનું અર્થશાસ્ત્ર અને ક્રાંતિના ફરમાસુ સંદેશ ન હોય, તે તેમને મન ગાન જ નહોતું.

યસેનીન ગામડિયો ને જૂનવાણી ગણાયો. એની વીણા લઈને એ ક્યાં ચાલ્યો ? – એ પોતે જ લખે છે.

“૧૯૧૯ નું વર્ષ મારા જીવનનું સહુથી સુંદર વર્ષ સમજું છું. જ્યાં પારાશીશી પાંચ ડીગ્રી ઉપર ઊતરી ગઈ હતી એવી એક ઓરડીમાં અમે શિયાળો વિતાવતા હતા. અમારી કને તાપણું કરવા માટે એકપણ લાકડું નહોતું. કાગળો નહોતા એટલે હું અને બીજા બે સાથી કવિઓ અમારાં ગીતોને ગામના ધર્માલયની દિવાલો પર છાપતા અથવા તો માત્ર આરામખાનાઓમાં જઈ મોંયે જ ગાઈ સંભળાવતા. ને અમારી કવિતાના વધુમાં વધુ પ્રશંસક હતાં વેશ્યાઓ તથા ડાકૂઓ. તેઓને ને અમારે બહુ મોહબત બંધાઈ ગઈ.”

એક તરફથી નવા રાષ્ટ્રઘડતરનો રાક્ષસી દેકારો, ને બીજી તરફથી આ નવઘડતર એટલે જ ભૂત, ભવિષ્ય, સમગ્ર જનસમૂહ, વ્યક્તિ, બલ્કે અખિલ બ્રહ્માંડની ઈતિશ્રી છે એવું માની બેઠેલ પક્ષની બોલબાલા : એની વચ્ચે જીવવું એ યેસેનીન સરખા સ્વતંત્ર ઊર્મિગાયકનું બેવડું દુર્ભાગ્ય હતું. એની કવિતા લઈને એને જવું પડ્યું–વેશ્યાઓ અને ડાકૂઓની મોહબ્બતમાં, ને છેવટે ઇઝાડેરા ડંકન નામની અમેરિકન નૃત્ય-સુંદરીના આલિંગનમાં.

ઇઝાડેરાએ આ કવિમાં સાચા કવિત્વનું દર્શન કર્યું હતું.