પૃષ્ઠ:Veranman.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦
વેરાનમાં
 

એ રાજોત્સવ હતો તેમ રાષ્ટ્રોત્સવ હતો, કંગાલો પોતપોતાની જયંતિઓના જલસા યોજાવી પ્રજાનું માનગૌરવ હણી રહેલ છે, ત્યારે આવા એકાદ 'સ્વર્ગીય'ની સ્મૃતિને એક હજાર વર્ષો પછી સજીવન કરનાર ઈરાન-શાહ પોતાની પ્રજાને જગતની સપાટીથી ચાર તસુ ઉંચે ચઢાવે છે.

*

ફીરદૌસી એટલે જ ‘સ્વર્ગીય.’ એ એનું તખલ્લુસ હતું. એનું અસલ નામ તો અબુલ કાસીમ અલ મનસુર અલ ફીરદૌસી. ઈ. સ. ૯૩૫ માં જન્મ્યો. છ વર્ષની વયથી એનું ભણતર મંડાયું. બાલ્યાવસ્થામાં જ પર્શિઅન કાવ્યની શૈલી પર એણે કાબુ મેળવ્યો. કવિ અ-સાદીની એની ઉપર અત્યંત કૃપા ઉતરી. એના દિલમાં કવિતાના તેમજ વતનની પુરાતન સંસ્કૃતિ તરફ મમતાના સંસ્કાર રોપનાર કવિ અ-સાદી.

*

પુરાતન ઈરાનનો આત્મા ફીરદૌસીને જાણે કે હાક મારતો હતો. ઈરાનની અસલી જાહોજલાલી ગાવા ઉપરાંત ઈરાને અનેક સૈકાઓની કાળ–યાત્રા કઈ કઈ તરેહથી કરી હતી તેના સાચા સંકલિત તેમ જ વિશુદ્ધ શબ્દચિત્રને કવિતામાં દોરવાનો એને મહાભિલાષ હતો. ને એ તમામ તવારીખના વેરણછેરણ અવશેષો ઈરાનના જુદા જુદા ગામોની અંદર કોણ જાણે ક્યાં પડેલાં હતાં.