પૃષ્ઠ:Veranman.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વતનનો વિરાટ
૮૩
 


“છે કોઈ આ શાહનામાની ર્પણ-પત્રિકા સ્વીકારનારો ભડવીર ?”

એ હાક દેતો કવિ સુલતાનના અનેક માંડલિકો કને જઈ ઊભો રહ્યો. પરંતુ આ અમરતા સ્વીકારવાની છાતી કોઈની ન ચાલી. ખીજ્યો કવિ કેવો ભૂંડો બને છે ! 'સ્વર્ગના વાસી'એ પણ સુલતાન પર હલકટ વેર વાળવા સારુ હવે એની નિન્દાનાં કાવ્યો રચવા માંડ્યાં. આવા નિન્દાકાવ્યને 'ઉભત' કહે છે. એ 'ઉભત’ની એક સો ટૂકો હતી.

“મહાકવિ ! તમને આ કુવિદ્યા ન શોભે. જગત થુ થુ કરશે !” એવું કહીને કવિના એક આશ્રયદાતા માંડલિકે એ કુલ એક સો ટૂકોના એક લાખ રૂપેલા ચુકાવી ખરીદી લીધી ને તેનો નાશ કર્યો.

×


હિન્દુસ્તાન પરની એક ચઢાઈમાંથી સુલતાન ગજની તરફ પાછો વળે છે : રસ્તામાં એક ફિતૂરી ખંડિયા રાજાનો કિલ્લો આવે છે, સુલતાને ત્યાં પડાવ નંખાવ્યો છે: ને ગઢપતિને પોતાની સમક્ષ હાજર થવા ફરમાએશ મોકલી છે : બીજો દિવસ થાય છે : ગઢપતિ આવ્યો નથી; સુલતાન વજીરને પૂછે છે : નહિ હાજર થાય તો શું કરશું ?

“શું કરવું ?” વજીરે એક વીરોત્તેજક બેત સંભળાવી જેનો અર્થ આમ થાય છે.

“એનો જવાબ જો મારી ખ્વાહેશની બરખિલાફ આવશે તો પછી હું છું, આ મારી ફરશી છે, ને જંગનું મયદાન છે..."

સાંભળીને સુલતાનને રોમાંચ થયો. પૂછ્યું : “આ બેત કોની રચેલી ! શામાંથી બોલો છો ?”