પૃષ્ઠ:Veranman.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાહિત્યકારની સ્ત્રી
૮૭
 


પહેલો જ - લગ્ન પૂર્વેનો જ પહેલો જ પત્ર આ રહ્યો.

“મારી વહાલી ! આજે સુવા જાઉં તે પહેલાં મારે તને નિર્દય અને ઠપકાભર્યો જણાતો એકાદ શબ્દ લખવા બેસવું પડે છે તેથી મને અત્યંત દુ:ખ થાય છે.” વગેરે વગેરે !

પહેલા જ પત્રમાં ઠપકો, ને નિષ્ઠુરતા ! ઠપકો શાનો હતો ? “કાલે રાતે તું મારા પ્રત્યે ઠંડીગાર કેમ હતી ? શું છેલ્લા ત્રણ મહિનાના મારા સહવાસે તને કંટાળો આપ્યો છે ?”

આટલી ટકોર બસ થવી જોઈતી હતી. સ્ત્રીએ આ લગ્નનું અમંગલ ભાવી સમજી લેવું જોઈતું હતું. પરંતુ એ પરણી બેઠી-એક પ્રતિભાસંપન્ન પુરુષની જોડે ! પછી તો એ 'પ્રતિભા’ જ સ્ત્રીની શોક્ય બની ગઈ. પતિની ને પોતાની વચ્ચે એણે હમેશાં આ 'પ્રતિભા’ને પોઢેલી દીઠી. એ પ્રતિભાએ સ્વામીને ઊંચો જવાની પાંખો બક્ષી. સ્ત્રીને: પતિ પોતાનાથી ઊંચો ચડતો ભાસ્યો, અથવા એની માન્યતા જ બંધાઈ ગઈ. એ માન્યતાએ સ્ત્રી-હૃદયને ઈર્ષ્યામાં સળગતું કર્યું.

ને સ્વામી તો પોતાની મનોમૂર્તિઓની દુનિયાઓ પર દુનિયાઓ રચતો ગયો. એની ઊર્મિઓએ લાખો માનવીઓનાં રસધામો નીપજાવવાની ધૂન પકડી. હેતના ઉભરા એના લખવામાં જ ખૂટી પડ્યા. પત્નીને એણે એક પણ કાગળમાં નથી લખ્યું કે 'તું કેવી સુંદર છે ! કેવી મીઠી છે ! કેવી મૃદુલ છે !’ વસ્તુતઃ પત્નીમાં આ બધું જ સભર ભર્યું હતું, પણ પતિના પત્રોમાં તો નરી બુદ્ધિનું જ મિથ્યાભિમાન ચિતરાયું છે.