પૃષ્ઠ:Veranman.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮
વેરાનમાં
 


એ પત્રની લખાવટમાં 'મેં' શબ્દનો હુંકાર છે. મેં તારે માટે શું શું સહ્યું છે : હું તને કેટલી ચાહું છું : મારી મુશ્કેલીઓ કેવી છે ! આ બધાની સામે “તે મારા માટે શું શું સહ્યું છે' તેનો એક પણ શબ્દ નથી.

પોતાની મહત્તાનો જ્ઞાતા સાહિત્યકાર; પોતાની ઉર્મિઓને પોતાની અક્ષર–દુનિયામાં સંતોષી લેનાર કલાકાર, કીર્તિ–માર્ગોનો મહાયાત્રી સ્ત્રીના નાનકડા નાદાન ભાવોની ભૂમિકા પર ન ઊતરી શક્યો. એને મન તો કદાચ દુન્યવી પ્રેમનો અર્થ આવો હશે; એક અનુકૂળ જીવનસાથીની પ્રાપ્તિ : બસ, એથી વધુ જરી કે નહિ.

ને કોઈ પ્રતિભાસંપન્ન પુરુષની પ્રતિભાને પોષવા નીકળનાર, એવાને સુખ આપવાની કામના સેવનાર ઘણીખરી સ્ત્રીઓનું ભાગ્ય આ સ્ત્રીના ભાગ્ય સમાન જ હોય છે. કોઈ પણ સ્ત્રી આ 'જ્વલંત’ વ્યક્તિને સુખી ન કરી શકી હોત.

બાવીશ વર્ષો સુધી એ પત્નીને વળગી રહ્યો તે તો કર્તવ્યબુદ્ધિના બંધો થકી.

પણ લગ્નમાં એકલી કર્તવ્યબુદ્ધિ બસ નથી.

આ કરુણ કથા અંગ્રેજી સાહિત્યના શિરોમણી ચાર્લ્સ ડીકન્સના દંપતી-સંસારની છે.