પૃષ્ઠ:Veranman.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માનવપ્રેમી સાહિત્યકાર !
 


“મંદિરનાં પગથિયાં પર ઊભાં ઊભાં મોટી બા ડબલું ધરીને ભીખ માગતાં હતાં તેમાં એ લપસીને પડી ગયાં, એમનો પગ ભાંગ્યો, ને હવે એ ગુજરી ગયાં છે. અમે એને કબ્રસ્તાને લઈ ગયા ત્યારે મૈયતમાં આવનારા ફક્ત ભિખારીઓ જ હતા. મોટી બા એ બધાને બહુ વહાલાં હતાં તેથી તેઓ રડતા હતા. મોટા બાપુજી પણ રડ્યા હતા. અને મોટી બાને દફન કરી દીધા પછી અમને સહુને ચાલ્યા જવાનું કહી પોતે એકલા મોટી બાની કબર પર ઊભા હતા, ને આંસુ પાડતા હતા. તે અમે વાડ્ય પછવાડે છુપાઈને જોયું. મોટા બાપુજી પણ હવે તો થોડા દી’માં જ ગુજરી જશે.”

અઢાર વર્ષના વિદ્યાર્થીને પોતાના ગામડિયા ઘેરથી એક પણ અલ્પવિરામ વગરનો આ કાગળ જ્યારે શહેરમાં મળ્યો ત્યારે એની મોટી બાને ગુજરી ગયાં પોણાબે મહીના વીતી ગયા હતા. પોતાના જીવનચરિત્રમાં એણે લખ્યું છે કે–