પૃષ્ઠ:Vevishal.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નહોતી. જુનવાણી કુટુંબવ્યવહારમાં જોડાજોડ ચાલતી અદબ અને સગવડની એ જોડલી બહુ જુક્તિદાર હોય છે.

"એ જ દુઃખ છે ને મારા ઘરમાં," બહારથી મોટા શેઠે દુઃખને સુખભર અવાજે વ્યક્ત કર્યું : " કે ગુનેગાર કોક, ને ગુનો ઓઢી લે વળી બીજું કોક. આમાં તે ચોર પકડાય ક્યાંથી?"

બાનું મોં ફૂલીને ઢોલ થઈ ગયું.

"ઠીક," જેઠે જતે જતે કહ્યું :" ઝોંસટવું હોય તેટલું ઝોંસટીને પછી ત્રણે જણાં દીવાનખાનામાં આવો. મારે તમારી પાસે એક વાત કરવી છે."

ફડક ફડક થતે હ્રદયે સુશીલા વધુ જમી ન શકી. પાણી પીતાં એને ગળે ઓતરાશ આવી ગઈ.

જમીને ત્રણે જણાં દીવાનખાના તરફ જતાં હતાં ત્યારે મોટા બાપુજી પોતાના શયનખંડમાં ઊભા ઊભા ફરી વાત પાછા કોઈક અગત્યનો દસ્તાવેજ 'સેઈફ'માં મૂકતા હતા. મૂકતા મૂકતા વળી ફરી વાર વાંચી લેતા હતા. વાંચી વાંચીને હસતા હતા, સુશીલાને મૂંઝવતું રહસ્ય કહેવાને સમર્થ એ કાગળ પાછો 'સેઈફ'માં પુરાઈ ગયો ને મોટા બાપુજીએ દીવાનખાનામાં આવીને વાત કરી:

"જાણે કે તમને દેરાણી-જેઠાણીને મારે ઠપકો આપવો પડે છે, એ મને ગમતું નથી. પણ હું સુશીલાની બાનો વાંક કાઢું તે કરતાં તો એની ભાભુનો વાંક કાઢું છું. સુશીલાના શરીર ઉપર હું સારું લુગડું જ કેમ જોતો નથી, ભલા? પહેરવા-ઓઢવા જેવડી દીકરીને તમે આ શું પહેરાવી રહ્યા છો? આ સાડી-પોલકાની ભાત્ય જુવો, રંગ જુવો : તમે પાંત્રીસ ને ચાલીસ વર્ષની થઈયું એટલે સુશીલાનેય શીદ તમારા જેવી બૂઢીખખ ગણીને આવા ગૂઢા ધોળા રંગ પે'રાવો છો? મારી એકની એક છોકરીને મીરાંબાઈ કાં કરી દેવા માંડિયું તમે?"

"ના બાપુજી," સુશીલાના જવાબ દીધો, "હું પસંદ કરી આવેલ છું. મને ગમે છે." સુશીલાના અવાજમાં વડીલના આ કોડીલા