પૃષ્ઠ:Vevishal.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બોલને ઝીલવાનો ઝંકાર નહોતો. એ જાણે કે માસ્તરની સામે આંક બોલતી હતી કે 'ચાર દુની આઠ'

"તને ગમે શું - ધૂડ!" વડીલે કહ્યું :"તારી ભાભુએ જ તારા શોખને બગાડી નાખેલ છે. આજ તો હું જ તને સ્વદેશી માર્કિટમાં લઈ જવાનો છું. હું કાંઈ તારી ભાભુની જેમ ભગતિને મારગે નથી ઊતરી ગયો. ચાલ, થા તૈયાર ! ને તને ગમે કે ન ગમે તોય મોટા બાપુજીની આંખ્યો ઠરે એવાં કપડાં તારે માટે આજ લેવાં પડાશે; લે. હવે કહેવું છે તારે કાંઈ? કાંઈ કહીશ ને, તો હું તારી સાથે રિસાઈ જ બેસવાનો. બોલ, છે કબૂલ?"

"પણ મને ન ગમે તોય પરાણે?"

"હા, ધરાર પરાણે. મારે તને ભગતડી નથી બનાવવી - કહ્યું નહીં ?"

વડીલ માનતો હતો કે સુશીલાને પોતે રાજી રાજી કરી રહ્યો છે. સુશીલા સમજતી હતી કે મોટા બાપુજીનું મન રાજી કરવાનું રહે છે

"હવે બીજો ઠપકો," વડીલે વિશેષ ઉમળકો અનુભવ્યો : "તમારી બેય જણિયુંની તે મારે કેટલીક ટાલ પાડવી? આ છોકરીને તમે રાંધણમાં ને લૂગડાં ધોવામાં કાં દાટી રાખી છે ? એને શું ધોબણ કરવી છે કે ભઠિયારણ બનાવવી છે? અરેરે જીવ ! હું તો ખાર કે સાંતાક્રૂઝ જાઉં છું ને બંગલે બંગલે બાઈયું ને હારમોન્યમ અને દિલરૂબા વગાડાતી સાંભળું છું, ત્યારે મારા મનમાં થાય છે, કે મારી એકની એક દીકરીને હું એવું ગાતી વગાડતી ક્યારે સાંભળીશ! ના, આપણું બાળક બુદ્ધિ વગરનું ડઠર હોય, અક્ક્લનું ઓથમીર હોય, જડ અણઘડ હોય, તો તો ઠીક પણ ઈશ્વરે બુદ્ધિશાળી દીકરી આપી છે તો શા સારુ એને શીખવા ન દેવું ? મારી દીકરીએ શા માટે એ ખાર-સાંતાક્રૂઝની છોકરિયુંથી ઊતરતા રહેવું જોઈએ? કાંઈ કારણ ? હેં વઉ, તમેય કેમ તમારી જેઠાણી જેવા જડસું થઈ ગયાં છો?"

"બાપુજીને કે' સુશીલા," સુશીલાની બાએ લાજમાંથી કહ્યું, "પછી સંગીત ને દિલરુબા શીખવીને દીકરીને દાટાવી તો છે ગામડામાં ને?"