પૃષ્ઠ:Vevishal.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બોલાવનારા ઇસ્પિતાલના મહેતરો પાસેથી શીખી લીધેલો, પણ આજે પહેલી જ વાર વાપરેલો એ લાડશબ્દ હતો.

"યુ સ્ટુપિડ!" એમ બોલતી લીના શોકાતુર અને રોષિત ચહેરે ખુશાલ તરફ ફરીને બોલીઃ "આને કોણ બહાર લઇ આવ્યું? તમે કોણ છો? તમારે એ શું થાય? એને મારી નાખવા કેમ ફર્યા છો બધા? કમબખ્ત મારા દાક્તરોનો એ અપરાધ હુંકદાપિ નહીં માફ કરું."

"મેમ સા'બ, એ તો મારો નાનેરો ભાઈ છે."

"આજ સુધી એ મરતો હતો ત્યારે તમે ક્યાં છુપાઈ રહ્યા હતા? આંહીં કેમ કાંધ મારવા કાઢ્યો છે એ બચ્ચાને?

"મેમ સાહેબ!" એમ કહીને સુખલાલે પોતાના પેટ પર હાથ પટક્યોઃ "ઇસકે લિયે."

"શું કરીને?"

"યુટેનસીલ બેચીને. આજ તો આપે એની બોણી કરાવવી જોઇએ."

"કમ ઑન! કમ ઑન! ઉપર આવો," એમ કહેતીને પાછી ફરીને સીડીનાં બબે ત્રણ-ત્રણ પગથિયાંને છલાંગોમાં દબાવતી ઉપર ચડી. પાછળ ખુશાલે શરમાતા સુખલાલની બોચી પકડીને "હવે ઝટ આગળ થા ને, છોકરી! લખમી ચાંદલો કરવા..." એ શબ્દો સાથે એને આગળ કર્યો. પાછળ પાટીવાળો ને છેલ્લે પોતે.

નર્સ લીનાએ પોતાનો ખંડ ખોલ્યો; પહેલું જ કામ અંદર ઝટ ઝટ પ્રવેશી જઇને પોતે મેજ પર ગોઠવેલી એક તસવીર પર પડદો ઢાંકી દેવાનું કર્યું.

એ ઢાંકી દીધેલી તસ્વીર ઉપર છાય કરતી મોટી એક માટીની આકૃતિ બાળગોપાળ ઇસુ ખ્રિસ્તને ખોળામાં લઇને ગમગીન બેઠેલી કુમારિકા મેરી મૈયાની હતી. તેની પાસે એક પિત્તળના ત્રિશૂળાકાર સ્ટેન્ડમાં ગોઠવેલી ત્રણ મીણબત્તીઓ જલતી હતી.

"સ્માર્ટી, ઈધર બૈઠો, તુમ ઈધર બૈઠો," એમ કહીને એણ સુખલાલને બરાબર એ ઢાંકેલી તસ્વીરની નજીક જ ખુરશી આપી.