પૃષ્ઠ:Vevishal.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મીણબત્તીના ત્રણે દીવા સુખલાલના લલાટ પર અને આંખોની અંદર, જાણે ભર્યા હોજમાં સ્નાન કરવા પડ્યા હોય ને એવી રીતે પ્રતિબિંબિત બની રહ્યા. સુખલાલનું કલેવર ક્ષીણ, છતાં લગભગ પારદર્શક કાચને મળતી એની ચામડી હતી. વીસેક વર્ષનું એનું વય છતાં હજામતને માટે એનું મોં તૈયાર થયું નહોતું. ઓરડામાં આમતેમ ઘૂમીને બારી બારણાં ખોલતી લીનાના મોં તરફ તાકી રહેલું સુખલાલનું મોં ત્રણ દીપકોના પ્રકાશ ઉપરાંત ચોથી એ માનવિદીપિકાની પ્રભાને ઝીલતું હતું, ને તેથી વધુ ગમે એવું લાગતું હતું. ખુશાલ જરા છેટેની ખુરશી પર બુલડૉગની જેવી ઢબે બેઠો બેઠો સુખલાલને નિહાળતો હતો; સુખલાલ ધડીભર તો ખુશાલને પણ નમણો ને ભાવ-નીતરતો ભાસ્યો. લીનાને પણ એ હજુ વણસમજ્યા ભાવે નીરખતો હતો. દાણાના દલાલો થોકબંધ કોથળામાંથી બંબી મારીને વાનગી જોતા હોય છે તેવી જ જડસુ રીતે ખુશાલ પણ લીનાના શીલની જાતને બુધ્ધિની બંબી મારી તપાસતો હતો.

લીનાએ એક જૂની થઇ ગયેલી નેતરની ખુરસી પર બેસીને પછી પૂછ્યુંઃ "પ્રથમ તો મને સમજાવો, આ બધો શો તમાશો છે? હું તો આશ્ચર્ય પામું છું."

ખુશાલભાઈએ આ પાકી 'સાકરટેટી'ની બની શકે તેટલી દળદાર ડગળી કાઢવા તૈયારી રાખીઃ"મારો સગો નહીં, પણ દૂરનો ભાઈ છે. મારો આ વેપાર છે. એમાં એ વેચાણ કરશે તેનો નફો એને રહેશે. હું તો પરિચય કરાવવા નીકળ્યો છું. મેમ સાહેબ, તમારા જેવાનો વસીલો મળ્યા પછી સુખલાલ ન્યાલ ન થઇ જાય શું? એને તો અમારે ઝટ પરણાવવો છે."

"અછા, લાઇએ ઈધર - સ્માર્ટી કે લિયે - યે દો, યે દો, યે રખો, યે-યે-યે."

“ઔર યે ભી મેમસા'બ, સુપીરિયર ક્વૉલિટી: સુખલાલ કે લિયે." ખુશાલભાઈએ પણ વગર કહ્યે ઠામ ઉમેર્યાં ને વજન કરવા