પૃષ્ઠ:Vevishal.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

18

નહીં છોડું

દીકરાને મુઠ્ઠી ઉગામતો દેખ્યો ત્યારે બાપાને વધુ બીક લાગી. સુખલાલના સ્વભાવનો એ પિતા પૂરો જાણકાર હતો. કાઠી-ગરાસિયાઓની જાડી વસ્તીવાળા એ ગીર-ગામડા રૂપાવટીમાં સુખલાલ વીશ વર્ષોની જુવાની સીધાસાદા માર્ગે જ કાયમ નહોતી વહ્યા કરી. સહન કરી શકાય ત્યાં સુધી તો ભલો ને ભદ્રિક, નરમ ને નમતો રહેતો સુખલાલ, સહનશક્તિની હદ લોપાયા પછી વનપશુ જેવોય બની જતો. કાઠીના છોકરાઓનાં શરીર પર સુખલાલના દાંત બેઠેલા તેનાં ચિહ્નો મોજૂદ હતાં. દુશ્મનોના પંજા નીચે દબાતો ને ઘૂસ્તે-પાટુએ ગૂંદાતો સુખલાલ એક ચીસ પણ પાડ્યા વગર માર ખમતો ખમતો લોહીલોહાણ બટકાં ભરી શકેલો.

પોતાના ગજવાની ચીજ પોતે વેરીના હાથમાંથી બચાવી નહીં શક્યો હોય ત્યારે પછી એ ચીજને એણે ધૂળમાં રોળી અણખપની તો કરી જ નાખી હતી. રૂપાવટીથી રોજ દેવલપુરની નિશાળે ભણવા માટે એક ગાઉ ચાલતા જતા સુખલાલે પોતાને ખાવા માટે માએ બાંધી આપેલ ભાતું રસ્તે ઓડા બાંધીને બેસતા ગરાસિયાના છોકરાઓને હાથ પડવા દીધા પહેલાં ધરતીમાં રગદોળી નાંખેલું, માર ખાધેલો ને સામાં વડછકાં ભરેલાં; છતાં કોઈ દિવસ ઘેર આવીને એણે માતાપિતા પાસે વાત નહોતી કરી. પોતાને પડેલા માર પર એ છૂપો છૂપો હળદર ચોપડતો. તેના લૂઘડે પડતા દાગ ઉપરથી જ આખરે અમને દીકરાના બૂરા હાલની જાણ થતી.

મોટા થયા પછી બાપની દુકાને પણ એણે કાઠી તાલુકદારોને શેકેલી સોપારી કે ખજૂર-ખોખાંનો નાસ્તો કરવવાની ના પાડવા બદ્દલ ધમકીઓ ખાધેલી, કેટલીક વાર એ રાત્રીએ દિશાએ પણ નહીં નીકળી શકેલો; છતાં પિતાનું રક્ષણ એણે માંગેલું નહીં.