પૃષ્ઠ:Vevishal.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આ બધી ખાસિયતોના જાણભેદુ પિતાએ ઇસ્પિતાલમાં લીનાને ખોળે પડેલા ડાહ્યાડમરા સુખલાલને બદલે, સુશીલાની વાત નીકળતાં શરમના ગલભર્યા ગાલવાળા પ્રેમી સુખલાલને બદલે, તેમજ ખુશાલભાઈના આજ્ઞાંકિત શિષ્ય સુખલાલને બદલે આ મુઠ્ઠીઓ ભીડતા સુખલાલનું બીકાળું રૂપ જોયું; જોઈને એણે કહ્યું : " ભાઈ, જોજે હો ! પારકો પરદેશ છે. ગમ ખાજે. ભૂલેચૂકેય એ દૃશ્યમાં હાલીશ મા!"

"રસ્તો ક્યાં કોઈના બાપનો છે ?" સુખલાલનું બોલતું મોં બારણા બહાર તાકતું હતું.

"એની વાત નથી. ઠાલાં નજરું મળ્યાં ના ઝેર છે ને?"

"ત્યારે તો આંહીં એણે તમને તમારી આ દશા કરવા તેડાવ્યા!" સુખલાલ ગોઠવી ગોઠવી બોલતો ગયો.

"કાંઈ સંભારવું જ નહીં, બેટા ! કાળ કાળનું કામ કરે છે. પણ તું પૂરી ગમ ખાજે. હો ભાઈ ! નીકર ત્યાં બેઠે અમારો જીવ ઊડી જશે."

"હો." સુખલાલને પોતાને જ ગમ નહોતી રહી કે આ હોકારો પોતે શું સમજીને દેતો હતો.

"શું ખાવા-ન-ખાવાની વાતું હાલે છે બાપ દીકરા વચ્ચે ?" એમ બોલતો ખુશાલ દાખલ થયો, એના હાથમાં એક કરંડિયો હતો. કરાંડિયો ફુઆને આપતાં કહ્યું : "લ્યો. બાંધી લ્યો ભાતું."

પિતાપુત્ર બંને કરંડિયામાં ઠાંસોઠાંસ ભરેલ લીલા સૂકા મેવા અને રમકડાંના જથ્થા તરફ કોઈ રહ્યા.

"એમાં ઝોડની જેમ જોઈ શું રીયા છો, ફુઆ ! ઝટ કરો - ગાડીનો વખત થાય છે."

"પણ... પણ... આટલું બધું... "

"ત્યારે શું ઘરને આંગણે ધોયેલ મૂળા જેવા થઈને ઊભવું'તું ? છોકરાંને ખોબો આંસુ પડાવવાં'તાં?" ખુશાલે એ ખૂલેલ કરંડિયાને ફરી પાછો કસકસતો બાંધતે બાંધતે એની આખાબોલી રીતે કહ્યું.

સુખલાલ પણ ભાંડુઓ યાદ આવતાં ઝંખવાણો પડ્યો. એણે