પૃષ્ઠ:Vevishal.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ખુશાલને પેલા બની ગયેલા માઠા બનાવની શંકા સરખીય આવે.

પાછાં જતાં ખુશાલને લાગ્યું કે સુખલાલ બાપથી વિખૂટો પડવાને લીધે ગમગીન છે. ગમગીની ઉડાડવા એને પોતાના ઘર છોડવાના સમયની કરુણતાભરી ને શૌર્યભરી વાતો કરી : " છ મહિનામાં તો તું આંહીં ઓરડી રાખીને સૌને તેડાવી શકીશ, ને તારો સસરો જો વાંકો નહીં હાલે તો તો આંહીં જ વીવા જમાવી દેશું, દોસ ! એક વાર વહુને હાથ કરી લઈએ, પછી જખ મારે ને જોડા ફાડે તારો મોટો સસરો ને તારી સાસુ, મુદ્દાની વાત એક જ છે સુખા, કે સંતોકડીની - અરે ભૂલ્યો ભાઈ, સુશીલાની - મરજી તારે જાણી લેવી. નાહકનું સાલ ઘરમાં ન પેસાડાવું, હો ભાઈ! જીવતાં સુધી સૌના લોહી પીવે, ને પોતાનુંય પિવરાવે, ઈ ધંધે નથી ચડવું; ભલે ને પછી ઢેઢવાડે દ્યે! કોના બાપની ગુજરાત! સાડી સત્તરસો કન્યાયું ગામડે ગામડે સડે છે. વાત તો બહુ બહુ તો બે કોથળીની છે ! થઈ રહેશે, ભાઇ સુખા! આંહીં તો અમે આપણા પચાસક ભાઈઓનાં ડૂબતાં વહાણ એમ જ કરીને પાર ઉતારી દીધાં છે. જાડા જૂથની મજા જ એ છે ને ! પણ પછી હુતો ને હુતી બે થિયાં એટલે તું જાણ કે એકલો સંતાકરૂઝ રે'વા વયો જાઉં ! તો એ વાત બ્રહ્માંડ ફર્યેય નહીં બને. "

સુખલાલ ફક્ત શ્રોતા જ રહ્યો ઓરડીએ પહોંચ્યો, એના મનમાં ખુશાલની બળભરી વાત પણ ચટકા ભરતી હતી, કેમ કે એમાં તો સુશીલાને જતી કરવાની જીવલેણ સૂચના હતી. એ સાંભળીને સુખલાલની રગેરગમાં જાણે સરપો નીકળ્યો.

'સુશીલાની મરજી!' તેણે પથારીમાં પડ્યે પડ્યે ત્રાગડા કાંત્યા : 'હા હા, સુશીલાની મરજી હશે તો મૂકી દઈશ! ના, ના, મરજી વગર સુશીલાને પણ કેમ કરી મૂકું ? હિંમત નથી. અરે, પણ આ વિચારો કરનાર હું કોણ? મૂકી તો મને જ દેવામાં આવ્યો છે. ને હું કયા મોઢે સુશીલાને મૂકવા-ન-મૂકવાની વાત વિચારું છું ? પણ મને