પૃષ્ઠ:Vevishal.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લાંબી માંદગીમાં પડ્યાં હતાં, તેની સતત સારવાર એકલો બાપ શી રીતે કરવાનો હતો? નાનાં ભાંડરુને ને કોણ રાંધી ખવરાવવાનું હતું? જેવી તેવી ચાલતી હાટડીને પણ કોણ ચાલુ રાખી શકે તેવું હતું?

સુખલાલે પિતાનું કહેવું પણ ન માન્યું ત્યારે માંદી માએ એક દિવસ સુખલાલને પોતાની પાસે એકાંતે તેડાવીને ખાટલે બેસાડી સમજ આપી હતી કે, "બીજું તો કાંઇ નહીં, ભાઇ, પણ વખત છે ને...મોટાં આબરુદાર છે.. એટલે ... મન ઉઠી જાય... તો ... વેશવાળ ફોક કરે, માડી! ને એવું થાય તો અમારું જીવ્યું ઝેર થઇ જાય."

માએ સંભારી આપેલો આ મુદ્દો સુખલાલને માટે નવીન જ માહેતી જેવો બન્યો. વેવિશાળ ફોક કરવાનું કારણ છેલ્લાં પાંચ વર્ષમાં ઊભું થઇ ગયું છે તેની સુખલાલને સરત જ નહોતી રહી. માએ વત વધુ સ્પષ્ટ કરીઃ

"એક તો ઇશ્વરે એનો દા'ડો વાળ્યો છે. બીજું, કન્યા પાછી - ખમા! - શે'રમાં હજારો રૂપૈયાને ખરચે ભણતર ભણે છે. જે ત્યાં જઇને આવે છે તે સારા સમાચાર આપે છે કે કન્યા હાડેતી બની છે, ગજું કરી ગઇ છે, વાને ઉઘડી ગઈ છે, એ બધાંય વાનાં વિચારવાં જોવે, માડી! તમારો સંસાર બંધાઇ જાય, વચમાં વિઘન ન આવે તો બસ. મારે કાંઈ કોઈની ચાકરી જોતી નથી, તું તારે સુખેથી તારા સસરા રાખે ત્યાં રહીને ભણતર ભણ, ને કન્યાના જેવો જ પાવરધો બન."

"ના," સુખલાલે જીભને તાળવે ફેરવીને બોલવા પ્રયત્ન કર્યો, "મને ત્યાં નહીં ગમે."

"નહીં કેમ ગમે?" ને માંદું માતૃ-મોં મલકાયું, "રૂડી વહુ તો ત્યાં હશે!"

"એટાલે જ નહીં ગમે, બા!" સુખલાલનો નમણો ચહેરો હસવાને બદલે લેવાઇ ગયો; એની આંખોમાં તે દિવસ પહેલી જ વાર ઝળઝળિયાં હતાં.

એ કહી કે સમજાવી ન શક્યો, પણ એની પાસે ભાષાભંડોળ