પૃષ્ઠ:Vevishal.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હોત. આ છોકરાને કમાવું છે, કેમ કે એને પરણવું છે, તુંયે આજે પરણવા જેવડો હોત. ના, ના, તારે હજી બે વર્ષની વાર હોત. આ છોકરાની વહુ કાયમ એનાં માબાપના ઘરમાં રહેશે, એનાં ભાઈ ભાંડુઓનીય સેવા કરશે. તું પરાણત તો મને એકલી જ છોડી દેત, ખરું ને ? હું માંદી પડત તો ઇસ્પિતાલે જ નાખત, ને અશક્ત કે અપંગ બનત તો તો 'એસાયલમ'માં મારું સ્થાન હોત, ખરું ને ડાર્લિંગ? પણ તું અશક્ત - અપંગ બન્યો હોત, તો હું તને રજળતો મૂકત કંઈ? તારી સ્ત્રીની સુવાવડ આવત તો તો હું જ દોટ કાઢતી આવત. હું બુઢ્ઢી બુઢ્ઢી ને અશક્ત છતાં તારા બાળકની સારવાર કરત. પણ આવું કશું જ જોવા તું ન રહ્યો. હું તો મારું હરેક વર્તન, બેટા, એમ સમજતી સમજતી જ કરું છું કે તું માતા મેરીને ખોળે બેઠો બેઠો જોતો હઈશ, ને તને એ ગમતું થશે. આ વાસણો વેચતા છોકરાને મેં બોણી કરાવી. મારે વાસણોની થોડી જરૂર હતી? પણ તું એના જેવો જ નિરાધાર રઝળતો હો, તે દિવસે તનેય કોઈક માતા એવો આધાર આપે, એવી આશાએ મેં કર્યું. સારું થયું કે એ વખત સર આવ્યો - કેમ જાણે એ તારો જ મોકલ્યો આવ્યો ! એ રૂપિયા દસ લઈને હું 'ઑપેરા' જોવા જતી હતી. મને આજે કોરનેલિયા હોટેલમાં જઈને ખાવાનું ખૂબ મન હતું. ત્યાં તો સુંદર સુયોગ બની ગયો. હું શાંતિ પામી છું, હું જાણે તારી બુઢ્ઢી મા છું. મને કોણ કહે છે કે હું જુવાન છું ? નહીં રે, મને તો બુઢ્ઢાં રહેવું જ ગમે છે- પણ છાનાંમાનાં હો! હજુ પ્રકટ પણે બુઢાપો બતાવવાની હિંમત નથી. બુઢ્ઢાંને જલદી નોકરી મળતી નથી. તું જાણે છે ને, મારે મારી ખોટી ઉમ્મર નોંધાવવી પડે છે. તને એ નહીં ગમતું હોય. જૂઠાણું તો તને કેમ ગમે? અરે, જીવતો હતો ત્યારે જ નહોતું ગમતું ને હવે કાંઈ મેરી માતાને ખોળે થોડું જ ગમે? પણ તું હોત, તારી વહુ હોત ને આ હિંદુ-મુસ્લિમોની માફક મને માને ભેળી રાખતાં હોત તો મારે શીદ જૂઠું બોલવું પડત? હું શીદને આ વેશ પહેરત?"

એમ કહેતી કહેતી ગદ્ગદિત લીનાએ પોતાના મોંમાંથી બનાવટી