પૃષ્ઠ:Vevishal.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દાંતની બત્રીશી ખેંચી હાથમાં ધરી રાખી. એના ગાલમાં ગર્તો પડ્યા. એને કોઈએ ન ઓળખી હોત.

એનાં દાંત બેશક બુઢાપાથી નહીં, બીજાં કારણોથી પડી ગયેલા; છતાં એ ફૂટડી ને જુવાન બની ઇસ્પિતાલે ફરતી લીના ચાલીશ વર્ષની નજીક તો ચોક્કસ હતી, તેવી ચાડી એ દાંત વગરનો ચહેરો ખાતો હતો.

ત્રણ દિવસ પછી એ જ સમયે અવાજ સંભળાયો : 'યુટેન્સિલ્સ ! ઍલ્યુમિનિયમ યુટેન્સિલ્સ ! ડ્યુરેબલ ઍન્ડ ડીસન્ટ યુટેન્સિલ્સ!'

અવાજ અણઘડ હતો, છતાં હળવો ને મીઠો હતો.

ગૅલરીમાં આવીને લીનાએ ડોકું કાઢ્યું; વાસણો ઉપાડનાર હેલકરી સાથે સુખલાલને જોયો. લીનાએ મોં આડે હાથ ઢાંકી દીધો, 'યુ-ટે-ન...' એ ફરી વારનો ટૌકો લીનાને જોતાં શરમથી અધૂરો જ અટકી ગયો. સાકરનાં પતાસાં પેઠે એ સ્વર ગળાના પાણીમાં ઓગળી સમાઈ ગયો.

શાંતિના ચિરધામ સમા આ લત્તાઓ બોલનારને પણ શાંતિ પ્રેરે છે. સુખલાલના ફેરિયા-સ્વરો આપોઆપ શાંતિ શીખ્યા હતા. એ શાંતિએ સુખલાલની આકૃતિને આછા કોઈ શીતળ રંગોની ફ્રેમમાં મઢી લીધી હતી.

"ઉપર આવ, સ્માર્ટી!" કહેતી લીના ઘરમાં ગઈ. દાંતની બત્રીસી એકદમ પહેરી લીધી. 'સંભારતાં જ તું જાણે આવ્યો!' એવું કહીને પેલી છબી પર એણે પરદો પાડી દીધો. આ ખ્રિસ્તી લોકો હિંદુઓ કરતાં જરીકે ઓછા 'વહેમી' નથી હોતા. મૃત્યુના સંબંધમાં તેમની 'વહેમી' માન્યતાઓ હિંદુઓને પણ ટપી જાય છે.

સુખલાલ હેલકરીને નીચે રાખીને એકલો જ ઉપર ચાલ્યો. જે કહેવાનું છે તેની શરૂઆત કેમ કરવી તેની એ મનમાં ને મનમાં ગોઠવણ કરતો ગયો, ત્યાં તો - "તું આટલો બડો પક્કો છે, આટલો મોટો પાજી છે, એ તો મને તેં દવાખાનામાં આટલા બધા દિવસ રહ્યા છતાંય કળવા ન દીધું ! હું તારા પર ગુસ્સે થઈ છું," એવા લીનાના ઓચિંતા તૂટી પડેલા શબ્દોએ સુખલાલને ખસિયાણો પાડ્યો. કઈ પક્કાઈ, ક્યું