પૃષ્ઠ:Vevishal.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અરે ભાઈ, એવી લાલઘૂમ છોકરી માંદી જ ક્યાંથી પડે?"

સુખલાલ જોઈ શક્યો કે લીના ટીખળે ચડી હતી.

"પડે પણ ખરી," લીના તુર્ત જ બોલી પડી : "તાવ તો ઘણી જાતના થાય છે. અમારા દેશમાં એક તાવને 'લવ ફિવર' કહે છે. તું થોડો વખત એનાથી દૂર જ રહે, ને હું એને કહું કે તું તો બીજીને પરણવાનો છે, તો એની માંદગીનો ચાન્સ મને મળે. તો કદાચ થોડા રૂપિયા તેં મને કમાવી આપ્યા કહેવાય. બદલામાં હું તને તારાં વાસનો ખપાવીને રળાવી દઈશ. છે સાટું કબૂલ?"

આ ટીખળનો રસાસ્વાદ લેવાની લાગણીને સુખલાલના અંતરમાં અત્યારે સ્થાન નહોતું. એના વિચાર-ઘોડલા એ ઘડીએ ફક્ત એક જ બિંદુ પર ધસતા હતા, કે આ બધો શો ગોટાળો મચ્યો છે? સુશીલા પોતેજ મને તજનાર છે, કે હું એનો ત્યાગ કરું છું ? મારા પિતાની ને એના બાપુજીની વચ્ચે થયેલી ફારગતીથી શું સુશીલા અજાણ છે! કે શું એ મારા પિતાને દોષિત માની બેઠી છે? શું એના બાપુજીએ જ એનામાં આ ગેરસમજનું ઝેર રેડી દીધું હશે ? આ ચોખવટ કરવા હું ને એ ક્યાં મળીએ?

'અમને બેઉને તમારા જ આશ્રયસ્થાનમાં મેળવી આપશો?' એ પ્રશ્ન લીનાને પૂછવા માટે છેક સુખલાલના હોઠ સુધી ફફડી કરીને પાછો ગળામાં ઊતરી ગયો. નહીં રે નહીં ! એવું એને કેમ પુછાય? ને એવી છૂપી મુલાકાત એક ખાનદાન સ્ત્રીના આશ્રયે મેળવવાથી એની આબરુ શી રહે? એને કોઈ જાણી જનારાં શું કહે?

તો પછી એની મારફત સુશીલાને મુલાકાત માટેનો સંદેશો પહોંચાડું? વળતી જ પળે એ વિચારને પણ એણે તજ્યો.

છૂપા સંદેશા, છૂપી મુલાકાત, છૂપી મસલતો, એ સંસ્કાર કેટલાક માણસોના લોહીમાં જ નથી હોતા. છૂપું રાખીને કાંઈક કરી લેવું એ એને તરકટ કે કરસ્તાન સમાન લાગે છે. સુખલાલના લોહીમાં 'છૂપા'