પૃષ્ઠ:Vevishal.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છે : મારી ને એની આબરૂ અત્યારે એક છે : અમે કાઠિયાવાડના થોડાક ગરીબ જુવાનો આંહીં રોટલો રળી ખાઈએ છીએ તે ફક્ત અમારી આ આબરૂને જ જોરે. જો આ છોકરાનો પગ ક્યાંઈક જુગાર કે લબાડીમાં પડી ગયો તો સત્યાનાશ નીકળે : પણ એને શિખામણ દઈને ચેતાવયાથી તો ઊલટાના એ અવળા મારગ ચીંધાડી દેવા જેવું થાય: એને માથે નજર જ રાખવી સારી.

કોને ખબર - બાપડો મનથી મૂંઝાતો હોય, અમથો જ આંટો મારવા જતો હોય; પણ આજ એના ચિત્તમાં થોડો ઉકળાટ હતો ખરો ! ઝટ પરખાવા દીયે એવો નથી, જરા ઊંડો છે, મીંઢો છે, એટલે બધુ બીકાળું ! જુગાર તો જાણે નહીં રમતો હોય, રળે છે એટલું બધું મારી પાસે જમા કરાવે છે. નાળિયેરનું પાણી પીવાના બે આના પણ પાસે રાખતો નથી. અત્યારે પણ ટ્રામમાં બેઠો નથી, ને આ રસ્તો પણ અવળા ધંધાનાં ધામોમાં જતો નથી. તેમ નથી આ બહાર હવામાં પણ જતો : ત્યારે આ જાય છે ક્યાં ? આ વળ્યો કઈ બાજુ ? આ તો સૅન્ડહર્સ્ટ રોડ : સાસરે તો નહીં જાતો હોય ને લાડો?

ચણભણ ચણભણ વાત ખુશાલને કાને આવી હતી. વેવિશાળ તૂટ્યું સંભળાયું હતું; પણ પાકે પાયે ખબર હજુ કોઈને નહોતી પડી. આ બેવકૂફ ક્યાંક કાંઈ ફરગતી લખી દેવા તો નહીં જાતો હોય ને?

સુશીલાના ઘરમાં આ જ વખતે ઉલ્કાપાત મચ્યો હતો. મોટા શેઠના સૂવાના ખંડમાં જ્વાલામુખી ફાટ ફાટા થતો હતો. પલંગ પર બેઠા બેઠા સુશીલાના મોટા બાપુજી, સામે થોડે દૂર અપરાધી ભાવે ઊભેલી પત્નીને ઠંડા શબ્દ-ચાબખા લગાવી રહ્યા હતા. વિજયચંદ્રની કોઈ 'ધર્મની બહેન'ના ઘેર જવાનું સુશીલાએ કેમ બંધ કર્યું તેની વાત હતી.

"બોલો શો ઘોબો પડી ગયો તે છોકરી ત્યાં જતી બંધ થઈ ?"

"એના પેટની તો બીજી શી ખબર પડે ? પણ મોઘમ જવાબ આપે છે કે ત્યાં જવું ગમતું નથી."

"ત્યાં એને કોઇ મારે છે, કૂટે છે, ગાળભેળ દે છે, શું કરે છે કે