પૃષ્ઠ:Vevishal.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કહો, જુઓ લિફ્ટ આવે છે." એણે ઉપર નીચે થતાં લિફ્ટનાં કાળવાસુકિ સમાં દોરડાં જોયાં ને ઊંડે લિફ્ટનો કૂવો જોયો.

"મારા બાપુની પાસે લખાવી તો તમે લીધું, ને હવે મને ગરીબને ટોણો મારો છો?"

"પોતાને ગરીબ ગરીબ કહી ગુમાન શુંકરો છો? સ્ત્રીને આગમાંથી બચાવવાની શક્તિ તો નથી, બાપુની પાસે જેણે લખાવ્યું હોય તેને તો જઈને પૂછતા નથી."

"પૂછવા જ આવ્યો છું."

"અત્યારે તો ધૂંવાંપૂંવાં છે. મારાં ભાભુ પર રામકા'ણી રાખી છે. તમે ચાલ્યા જ જાવ. તમારા પર કાળ ભમે છે. જુઓ લિફ્ટ આવી ગઈ."

લિફ્ટ આવીને આ માળે થંભી. લિફ્ટ-મૅને પોતાના તે દિવસના રગડપાટનો બધો જ કંટાળો સુશીલાને ઉંબરે ઠાલવતાં બારણાંને દાઝભેર ખોલ્યાં.

"સબૂર સબૂર!" એવા શબ્દો સુશીલા અને સુખલાની પછવાડે સીડીના પગથિયાં પરથી આવ્યા. એમાં ત્રીજું માનવી ઉમેરાયું. ધોતિયાનો એક છેડો હાથમાં, લાંબી લાંબી ડાંફો, અડીખમ પગલાં, ગઠ્ઠાદાર કાઠી, અને સહેજ ફાંગી આંખ ! હાથમાં એક લાકડી સહિત ખુશાલ સીડીનાં પગથિયાં છલાંગતો આવી પહોંચ્યો ને લિફ્ટવાળા પ્રત્યે બોલ્યો : "લે જાવ, ભૈયા !"

"ક્યા યે તમાશા કર રહે હો, જી!" બોલતો એ ભૈયો ભડોભડ બારણાં બીડતો આ પ્રેમ-તમાશાથી ત્રાસીને કેમ જાણે ધરતીના પેટાળમાં ઊતરી જતો હોય તેવી ઝડપે લિફ્ટ નીચે સરકાવી ગયો.

"ગભરાશો નહીં," ચમકેલી સુશીલાને ખુશાલે ધીરજ દીધી : "હું તમારો જેઠ ગણો તો જેઠ થાઉં છું." એમ એને કહેતાંની વાર સુશીલા એ અજાણ્યા આક્રમણકાર પ્રત્યેનો ખિજવાટ શમાવી લઈને લજ્જાભરી અદબથી બાજુએ ફરી ગઈ. તરત ખુશાલે બીજું વાક્ય સંધાડ્યું : "ને