પૃષ્ઠ:Vevishal.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જૂના નાતાને હિસાબે હું તારો મામો પણ થાઉં, બે'ન સંતોક!"

કાઠિયાવાડ વણિકોમાં અવળસવળ સગપણોના વિચિત્ર વેલાઓ જુક્તિભેર અટવાયેલા હોય છે. અટવાતાં અટવાતાં એમાં એક જાતનું સોહામણું ગૂંથણ થઈ ગયું હોય છે. ગૂંથાતા ગૂંથાતા એના રજકણો નવીન જાતની મેળવણી મચાવી બેસે છે. એવી મેળવણીમાંથી ઉદ્ભવ પામતી લાગણીઓ ઘણી વાર એકબીજી વચ્ચેનું અક્કડ છેટાપણું નાબૂદ કરે નાખે છે. સસરો ને વહુ ઘણી વાર મામા ભાણેજનો સંબંધ દાવો દિલમાં સજીવન રાખે છે. દેરાણી-જેઠાણી અનેક વાર ફૂઈ-ભત્રીજી કે માસી ભાણેજ હોય છે. આજે મોટૅ ભાગે બંધાઈ ગયેલાં એ સંબંધ-ખાબોચિયાં કોઈ કોઈ ઠેકાણે સજીવન ઝરણાં રૂપે પણ વહેતાં હોય છે.

'બે'ન સંતોક' એટલા જ શબ્દોએ સુશીલાના અંતરમાં કોઈક નિકટતાને ભાવ મૂકી દીધો; ખુશાલીની જડતાનું કૂણું કલેજું બતાવ્યું.

ખુશાલભાઈ આંહીં ક્યાંથી ફૂટી નીકળ્યા, એ વિસ્મયમાંથી સુખલાલ છૂટે તે પહેલાં તો સુશીલાએ ઘરનાં બારણાં તરફ હાથ લંબાવ્યો. ભૂલી ગઈ હતી કે પોતે કમાડ અધબીડ્યાં રાખવાને બદલે પૂરાં બંધ કરી દીધાં હતાં. એ તો હવે અંદરથી જ કોઈક ખોલે ત્યારે ખૂલી શકે. એનો હાથ ટકોરીની વીજળી-ચાંપ પર ગયો. ખુશાલે ને સુખલાલે બેઉએ એ જમણા હાથની કોણી સુધીની કળાઈને ખુલ્લા સ્વરૂપે દીઠી; બેઉએ પોતપોતાની દૃષ્ટિએ દીઠી. સુખલાલની નજર ત્યાં નખલી બની જઈ એ ભીનલા વરણા હાથ પર દેખાતી લીલુડી નસોના વીણા-તારો બજાવવા લાગી. ખુશાલ મનમાં ને મનમાં બબડ્યો : 'છે તો હાડેતી, હાથે કામ કરતી લાગે છે. મુંબઈનું પીળું લચકેલ કે નાજુક કે તકલાદી રાચ નથી લાગતું.'

ખુશાલભાઈ બેશક હજુ સ્ત્રીની તુલના કે પરીક્ષા ઘરસંસારના 'રાચ' લેખે જ કરતોઅને સ્ત્રીને 'દેવી' તેમ જ 'જીવન-સખી' કહેનારા કેટલાક ભણેલા ગણેલા કાઠિયાવાડી જુવાનોને પૂછતો કે "કાં, આ દેવી