પૃષ્ઠ:Vevishal.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પેસતે સંબોધન કર્યું : "કેમ છો ઘેલીબે'ન ? ઓળખતાં તો ક્યાંથી હો? તમારું ય મોસાળ ઉપલેટે ને મારું ય મોસાળ ઉપલેટે. મારી બે'ન હેમીની દીક્ષામાં તમે આવેલાં..."

એ ઓળખાણની યાદદાસ્ત ભાભુના અંતરમાં સહેલાઈથી સળવળી ઉઠી: "હેમીબાઈ સ્વામીના ભાઈ તમે ઘોઘાભાઈને?"

"હા, ઘેલીબે'ન ! નામ તો તમને બરાબર યાદ રહ્યું છે ને શું?"

એમ બેઉના પરસ્પર હુલામણાં નામો જ એ જૂની, લગભગ નષ્ટ થયેલી પિછાનને નવપલ્લવિત કરનારા સજળ ક્યારા બની ગયાં.

"બેસો બેસો, ભાઈ!" પતિના ચંપલનો સરપાવ અને સંતાપ કશી જ ચાલાકી વગર સાવ સાદી રીતે અંતરની આગોણમાં ભારી દઈને આ ગૃહિણીએ આવેતુઓને આસન આપ્યું. પછી એ પાણી લેવા ચાલી. જતાં જતાં એણે પતિના શયનખંડ તરફનું બારણું, મહેમાનોનું ધ્યાન ન ખેંચાય તેવી સ્વાભાવિકતાથી બંધ કરી દીધું.

પાણી લઈને ભાભુ પાછાં આવતાં હતાં ત્યારે ખુશાલ એનું સાધ્વી મુખ જોતો હતો. એ વધુ માર્દવભેર બોલી ઊઠ્યો : " હેમીબે'નની સાથે તમારાય, જુવોને, દીક્ષા લેવાના ભાવ હતાં ! પણ તમે હતાં નાનાં, એટલે વળી મનવી લીધાં. મારી હેમીબે'ને જેવો સંયમ ઉજાળ્યો તેવો તમેય, ઘેલીબે'ન, સંસાર ઉજાળ્યો. હું તો ઘણા વખતથી સાંભળતો હતો, પણ આવતાં પગ ઊપડતા નો'તા : આજ ઓચિંતો ભટકાઈ ગયો. જોઈને આંખ્યું ઠરે છે : જાણે મારી હેમીબે'નને મળતો હોઉં... હા-હા-હા-હા એવું...!"

ખુશાલ એ વાક્ય પૂરું ન કરી શક્યો. મોં પરનો પરસેવો લૂછવાને બહાને એણે આંખોના ખૂણા લૂછી લીધા ને પોતે આંસુ નથી લૂછ્યાં એવું બેવડે દોરે નક્કી કરવા માટે વીજળી-બત્તી તરફ જોઈને કહ્યું : "વીજળી-દીવાના હેવા મને માઠા!"

ખુશાલભાઈ ઊંચેથી પાણી પીતો હતો ત્યારે એના ગળામાં મોટો ખળખળિયો ઠલવાતો ચોખ્ખો દેખાતો હતો. એટલે કે સાદો ખુશાલ