પૃષ્ઠ:Vevishal.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નિઃસંકોચપણે ઘટક ઘટક પાણી પીતો હતો. ભાભુ સુખલાલની સામે પ્યાલો ધરીને ઊભાં રહ્યાં ત્યારે એટલું જ બોલ્યાં : "તમે તો ઓળખાવ એવા રહ્યાં જ નથી. સારું થયું, બચાડા જીવને મુંબઈનું પાણી માફક આવી ગયું."

"સુખો સવતંતર બન્યો ને, ઘેલીબે'ન, એટલે શરીર વળ્યું."

"ધંધો કરે છે, એમ ને?"

"ત્યારે? રસ્તાસર થઈ ગયો. પાંચ પૈસા એના બાપને, મોકલતો થઈ ગયો. પાંચ-પચીસ નોખા પણ મૂકી શકે તેવો થ‌ઇ ગયો. હવે તો વાંધો નથી. તમારા પુન્યપ્રતાપે સુખનો રોટલો રળી લે છે."

આ બધું કહેવામાં ખુશાલનો હેતુ સુખલાલના લગ્નનો 'કેસ' મજબૂત કરવાનો હતો.

પાણી પાઈ રહ્યાં તો પણ સુશીલાનાં ભાભુ નીચે બેઠાં નહીં. ઊભાં ને ઊભાં રહેવામાં એનો હેતુ અતિથિઓને જલદી ઉઠાડી વિદાય દેવાનો હતો. એનું કાળજું ફડક ફડક થતું હતું. પોતાનો પતિ સૂઈ નથી ગયો; ચંપલ ફગાવ્યું તે પછી પણ એણે એની સ્ત્રીને એ જ સ્થિતિમાં ઊભેલ નિહાળ્યા કરી હતી. પછી પત્ની બહાર ચાલી તે પણ લાલઘૂમ આંખે જોઈ રહ્યો હતો. પણ પછી જ્યારે એણે સ્ત્રીને શાંતિથી પરસાળમાં જઈ ચંપલ પાછો લઈ આવી બીજા ચંપલ પાસે મૂકતી દીઠી ત્યારે આત્મા તિરસ્કાર અને તેજોવધથી ટુકડેટુકડા થઈ ગયેલો એ પતિ બીજું કોઈ શરણ ન સૂઝવાથી પડખું ફેરવી સૂઈ ગયો હતો. લડીને લોહીલોહાણ થયેલો સાપ કરંડિયામાં ગૂંચળું વાળી જાણે પડ્યો છે. જેનું નામ સ્મરણ પણ એના નામ ઝનૂનમાં ભડકા પ્રજ્વલાનારું બનેલું, તે પોતે જ - તે સુખલાલ જ - આંહીં હાજર છે. નજરે જોશો તો કાળો ગજબ ગુજારશે. મહેમાનો રજા માગશે ને કદાચ પોતાના સ્વભાવ મુજબ 'બેસોને બાપુ !' એમ કહેવાઈ જશે તો શું થશે, એવી બીકે પોતે ઊભી ઊભી અંતરમાં ગોખતી હતી તે 'આવજો ત્યારે!' 'આવજો ત્યારે!' 'આવજો ત્યારે!'

અતિથિઓને જલદી વિદાય કરવાની એ આતુરતા અફળ બની.