પૃષ્ઠ:Vevishal.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભગવાન પ્રત્યેની ભાભુની ગુપ્ત પ્રાર્થના ભગવાને સાંભળી નહીં. સમયની પલેપલ જાણે પગમાં સીસું પૂરીને ચાલતી હતી. સુખલાલની સામે નજર મેળવવા ખુશાલભાઈ પ્રયત્ન કરતો હતો, પણ સુખલાલનું ધ્યાન બીજે હતું. એ તાકી રહ્યો હતો એક ત્રીજા માનવીની ક્રિયા તરફ.

એ ત્રીજું માનવી તે સુશીલાની બા હતી. પરસાળમાં બે ત્રણ વાર આવીને 'આવો' એટલું પણ બોલ્યા વગર એ અંદર ચાલી ગઈ. અંદરના ખંડમાં એની ને સુશીલાની વચ્ચે કશીક ગરમાગરમી ચાલતી લાગી. માતાની પુત્રી પ્રત્યેના એ બોલ સંભળાતા હતા : "ત્યાં શીદ તરડમાંથી જોયા કરછ ? જા ને જઈને સામી બેસ ને? તારો કોણ થાય છે? તારા એવા કયા ઉમળકા ઢોળાઈ જાય છે ! તારો ડોસો જાગતો હશે ને જાણશે તો ચિરડિયાં કરી નાખશે, ખબર છે? તારી ડોશીની દશા તો હજી ઘડી પે'લાં કેવી કરી તે ભૂલી ગઈ ? જાગશે તો સૌને ખબર પાડી દેશે. પોલીસને જ ભળાવી દેવો જોવે - પોલીસને ! તે વગર કેડો નહીં છોડે."

સ્ત્રીઓમાં કુદરતે જ મૂકેલી એ કળા - કહેવું એકને ને સંભળાવવું કોઈક બીજાને એ કળા - સુખલાલના કાનમાં રામઢોલ બજાવી રહી હતી. એનું અંતર, યુદ્ધના તરઘાયા ઢોલ જેવું વધુ ને વધુ તપતું હતું . એની આંતરડી શેકાતી હતી. એની ચામડી જીવતે ઉતરડાતી હતી. આંહીથી આ શબ્દો સંઘરીને પાછા ચાલ્યા જવાની સબૂરી એના અંતરમાં ટીપે ટીપે નિચોવાતી હતી.

દેરાણીના આ શબ્દો ડુબાવી રાખવા માટે મથતી જેઠાણી તે ક્ષણે ઓછાબોલી મટી જઈને ઉપરાઉપરી પ્રશ્નો પૂછવા લાગી હતી કે," તમારા બાપાનો કાગળ છે કે? તમારાં બાને કેમ છે ? આંહીં ખાવા-કરવાની શી ગોઠવણ રાખી છે? આંહીં તો, બાપુ, પાણી લાગતાં વાર નથી લાગતી."

એ પ્રશ્નોના જવાબ આપવાનું ખુશાલને એકલાને જ ભાગે રહ્યું. સુખલાલની તમામ ચેતના એના કાનમાં જ કેન્દ્રિત થઈ ગઈ. એણે સુશીલાની માનો અકેક ઉચ્ચાર અગ્નિ તિખારાની પેઠે વાણી કાઢ્યો,