પૃષ્ઠ:Vevishal.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ને એણે પુત્રીનો શેષ પુત્રીનો શેષ પ્રત્યુત્તર એક જ બોલમાં સાંભળ્યો:

"મને કહેવું હોય તે કહી લે, બા; બીજા કોઈને માટે કાંઈ જ બોલ કાઢવાનો નથી. છેલ્લી વારનું કહી દ‌ઉં છું."

ખુશાલ આ દરમિયાન એક કામ કરી રહ્યો હતો. એણે પૂછી જોયેલું : " કેમ, શેઠિયા હજુ નથી આવ્યા ?"

જવાબ મળેલો : "મોટા શેઠ આવ્યા છે, પણ સૂઈ ગયા છે."

એ સૂઈ ગયેલાના કાનમાં તમરાં બોલે તેવી રીતે ખુશાલનો બોલાસ વધુ ને વધુ જોરદાર બનતો ગયો. અભરાઈ પરથી કોઈ બિલાડી એકસામટાં ભાણાં પછાડતી હોય એટલા જોશીલા ખડખડાટ સાથે એ દાંત કાઢવા લાગ્યો. આવી હિંમત આ ઘરની અંદર દાખવનારા માણસો ભાગ્યે જ કદી આવ્યા હશે. પલંગમાં પડેલો શેઠિયો, પેટમાં ઊપડેલી બરલને દબાવતા કોઈ દરદીની વેદના અનુભવી રહ્યો હતો. એનાથી વધુમાં વધુ સહેવાતું નહોતું આ કોઈ કંગાલ આગંતુકની સાથે પત્નીનું મુક્ત કંઠે બોલવું. ચંપલે ચંપલે સોરી નાખવાનું શૌર્ય જાણે એનાં આંગળાંને ટેરવેથી વિફળ વહી જતું હતું.

"હવે તો સુખલાલને પૂરેપૂરો તમારો પુત્ર બનાવી લ્યો, ઘે'લીબેન ! એટલે અમારી સૌની જવાબદારી હેઠે ઊતરે."

એ ખુશાલના બોલનો જવાબ ભાભુ તો ન દઈ શક્યાં, પણ કાન પર બોલોશિયાં દબાવીને પલંગમાં પડેલા મોટા શેઠની ખોપરીમાં ઊઠેલા ચસકાઓએ દીધો. વધુ વાર એ આ અગ્નિશય્યામાં સૂઈ ન શક્યો. એ ઊઠ્યો, પગ નીચે મૂક્યા, બેઉ ચંપલો જાણે કે પગને ઝીલતાં હોય તેટલાં અચૂક ગોઠવાઈને પડ્યાં હતાં એટલે આપોઆપ પગ ઉપર આવી ગયાં. ચંપલન સ્પર્શે પત્નીની ધીરતાનું શરમિંદુ સ્મરણ કરાવ્યું. એક ક્ષણ જાણે કે એ સ્પર્શમાંથી શબ્દ ઊઠ્યો કે 'આકળા શીદને થાવ છો ? અરે, પણ બચાડા જીવ ! તમે ઉતાવળા શીદને થાવ છો?'

એ સ્પર્શરૂપી શબ્દોને જાણે કે શેઠિયો બીજી વાર પણ પગ હેઠળ ચગદીને ચાલ્યો ને પત્ની એ મૃદુ હાથે બીડી રાખેલું બારણું એણે ભડોભડ