પૃષ્ઠ:Vevishal.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઉઘાડી દીધું.

એના ડોળા રવેશમાં જામેલા દાયરાને તોપે ઉડાડવા જેવી ઉગ્ર દૃષ્ટિથી તાકી રહ્યા. એણે સુખલાલને પિછાન્યો, ખુશાલની ઓળખાન બરાબર ન પડી.

"જે જે ! જે જે, ચંપકભાઈ ! ઓહો, તમને પણ અમારો ગોકીરાએ સૂતા ઉઠાડ્યા ! ચાલો સારું થયું."

કોઈ પણ પ્રસંગે ખસિયાણા તો કદાપિ ન પડી જવું, એવી વિદ્યા ખુશાલે પોતાની ગામડાની નિશાળેથી નાનપનમાં જ મેળવેલી. માસ્તરેજ એને શીખવેલું કે પલાખાં પૂછાય ત્યારે જે છોકરો સાચો કે ખોટો જવાબ તડાકાબંધ પરીક્ષકને આપે તે પાસ થવાનો; જરાક પણ અચકાણો તો મૂઆ પડ્યા; વહેવારમાં જીતશે એ કે જે સાચાખોટાની પરવા કર્યા વગર તડાકાબંધ પહેલો જવાબ આપશે.

એ સિદ્ધાંતના પાલક ખુશાલે આ ગર્વિષ્ઠ શેઠિયો કાંઈ ન કહેવાનું કહી નાખવાનો સમય મેળવે તે પહેલાં જ વિરોધી મોરચો અરધોપરધો તો ભેદી નાખ્યો.

"આવો." એટલું તો નિચોવાઈ જઈને પણ શેઠથી બોલી જવાયું.

"શું કરીએ, ભાઈસા'બ ?" ખુશાલે શરૂ જ રાખ્યું :" તમારા પૂર્વજોનાં પુણ્ય બળવાન, તમારી પોતાની આવડત બળવાન, તે તમને ઈશ્વરે લાયકી મુજબ આપ્યું. અમારાં કરમ મોળાં, એટલે આખો દી ઢરડા કર્યા કરવાના રહ્યા. ઘણુંય વખત પુછાવીને આવવા મન થાય, પણ તડાકો જ બાઝે નહીં. પછી આજ તો મન કર્યું કે થાવી હોય તે થાવ, ચંપકભાઈને મુંબઈમાં આવીને કોઈ દી મળ્યો નથી - એક વાર નાતના જમણમાં આપણે બેય પડખો પડખ બેઠેલા, ને અમારું વાંસનું અથાણું તમને તે દી બહુ ભાવેલું, તે સિવાય મળવાનો જ મોકો ન રહ્યો. આજ તો હિંમત કરીને આ ભાઈ સુખલાલને ભેળા લીધા..."

"કહો, ફરમાવો, મારું માથું દુખે છે." મોટા શેઠ કે જેમનું નામ મૂળ ચાંપશીમાંથી ચંપકલાલ બની ગયેલું, તેમનાથી આટલા કરતાં વધુ