પૃષ્ઠ:Vevishal.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સભ્ય ન બની શકાયું.

"કામ તો બીજું શું ? હું હમણાં જ આ મારી ઘેલીબે'નને કહેતો'તો કે હવે તો સુખલાલ લાઇનસર થઈ ગયો. હવે તો તમારું ઘર પુત્રવંતુ બનાવો એટલે સૌનો ભાર હળવો થાય. હજાર માણસું હજાર જાતની વાતું બોલ્યા કરે. તમને કોઈ કહેવા ન આવે, પણ અમારે તો જખ મારીને બજારમાં સાંભળવું પડે જ ને, ચંપકભાઈ!"

"એ વાત મારે સાંભળવી નથી, એ વાત તો પતી ગઈ છે."

"પતી ગઈ છે?" ખુશાલે ચમક બતાવી.

"હા. આના બાપા સાથે."

"હું એ જ જાણવા આવ્યો છું," સુખલાલના શબ્દો આવ્યા : "કે મારા બાપા સાથે આપે શી સમજાવટ કરી છે."

મોટા શેઠના કાન પર જાણે વીજળીનો કડાકો થયો. માંદલો સુખલાલ - આ અધમૂઓ કંગાલ સુખલાલ - જ શું આ શબ્દોનો બોલનાર છે? હોઈ શકે?

બૈરાં બધાં અંદર લપાઈ ગયાં હતાં. ભાભુ અને સુશીલા પોતાના ખંડમાં બે જ જણાં હતાં બંને આ બહાર મચી રહેલા વાવાઝોડાની વચ્ચે ઉચાટભરી, ભયભરી છતાં સંયમી મુખમુદ્રા ધરી બેઠાં હતાં; પણ સુશીલા વારે વારે ચમકતી હતી.

બહાર લિફ્ટનો સળવળાટ થયો. બારણાં ઊઘડ્યાં ને બિડાયાં. શેઠઘરના બ્લોકની ઘંટડી બજી. ભાભુએ જઈ બારણાં ખોલ્યાં. બરણાંની સામે એક પોલીસ-ઑફિસર અને બે પોલીસ ખડા થયા. તેમને ભાળતાં જ ભાભુ હેતબાયાં.

"શેઠ અંદર છે? " ઑફિસરે ગૌરભેર પૂછ્યું.

"શું કામ છે?"

"મળવું છે." એમ કહીને ઑફિસર અંદર દાખલ થયો.

ભાભુ અંદર ચાલ્યાં ગયાં. પતિને જાણ કરી : "પોલીસ આવેલ છે."