પૃષ્ઠ:Vevishal.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બોલતો બોલતો ખુશાલ સોફા પર ટોપી પછાડતો હતો. કોઈ પણ ઈલાજે એને ચંપક શેઠની જીભ દબાવી રાખવી હતી.

ચંપક શેઠના મોં પર લોહીનો છાંટો પણ રહ્યો નહોતો. પોલીસ-અફસરે આગળ ચલાવ્યું:

"એક માલદાર દક્ષિણી છોકરીની સાથે સિવિલ મૅરેજ કરવાની જાળ આ વિજયચંદ્રે પાથરી હતી. છોકરીનું વેવિશાળ બીજે ઠેકાણે થયેલું હતું. છોકરીની વિધવા માતાને જાણ કર્યા વગર એ છોકરીને ઘરમાંથી દાગીના સાથે ઉઠાવીને વિજયચંદ્ર અને તેની 'ધર્મની બહેન' કાલે રાતે ક્યાંઈક ચાલ્યાં ગયાં હતાં. આજે સાંજે એ પકડાયાં છે. હું તમને હેરાન કરવા નથી આવ્યો, પણ મને બાતમી મળી છે કે તમારી પુત્રી સાથે એનું વેવિશાળ થયું છે; ને એણે આ બીજી કન્યાનાં ઘરેણાં તમારી કન્યાને ચડાવવા માટે ગાયબ કર્યાં છે, એવો શક પડવાથી હું આંહીં આવેલ છું. એ છોકરીનો મરહૂમ પિતા મારો મિત્ર હતો."

"હં હં-સાહેબ!" ખુશાલે હસતે હસતે માથા પર હાથ ફેરવીને જવાબ વાળ્યોઃ "મુંબઈની પોલીસ કેટલી રેઢિયાળ બની ગઈ છે તેનો આ ફક્કડ નમૂનો છે."

બોલતો બોલતો પોતાની સામે પણ ન જોનાર ખુશાલ આ પોલીસ અધિકારીને પોતાના ખાતાનો ઊંડો જાણભેદુ લાગ્યો. ખુશાલ તો ખરી રીતે આ અમલદારની આંખોમાંથી છટાકવા ખાતર જ આવી લાપરવાહી ધારણ કરી રહ્યો હતો, પણ અમલદારના મન પર તો ખુશાલની છાપ કોઈ 'મોટા પુરુષ'ની પડી.

"આપ એમ કેમ બોલી નાખો છો?" મુંબઈના પોલીસખાતાનો સડો સમજનારા અમલદારે અપરાધીભાવે પૂછ્યું.

"આપે જે પગ-માથા વગરની બાતમી મેળવીને આંહીં સુધી આવવાની તસ્દી લીધી તે પરથી હું બોલું છું. કોઈ જાણીતા કાઠિયાવાડીને તમારા ખાતામાં આંહીં મૂકતા નથી, તેને જ પરિણામે