પૃષ્ઠ:Vevishal.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આવા ફજેતા થાય છે ને?"

"હું કાંઈ સમજતો નથી."

"એ તમને મારા આ મોટા ભાઈ સમજાવશે. કહો, ચંપકભાઈ," ખુશાલ બાઘા બનેલા મોટા શેઠ તરફ ફર્યો: "બે'ન સુશીલાનું વેવિશાળ કર્યે કેટલાં - દસ વરસ તો થયાં હશે ને?"

સાણસામાં સપડાયેલા સાપ જેવા ચંપકલાલે જવાબ આપ્યોઃ "અગિયારમું જાય છે."

"કહો, આ સામે બેઠા એ સુખલાલ જ તમારા જમાઈ કે બીજા કોઈ?"

"એ જ," જખમારીને ચંપક શેઠે હા કહી. એકાદ કલાક પૂર્વે જેના નામ પર પોતે ચંપલ પછાડ્યો હતો, જેને પોતાના ઘરની દિશામાં ન આવવા દેવાની પ્રતિજ્ઞા કરી હતી, જેને પોતાના માર્ગમંથી કાંટાની માફક ચૂંટાવી કઢાવવા પોતે પોલીસખાતાને મળવા જવાના હતા, જેના દીદાર સરખાય સહન કરી લેવાની તૈયારી નહોતી, તે જ સુખલાલને પોતાના દસ વર્ષના જૂના જમાઈ તરીકે ખુદ પોલીસની સામે જ સ્વીકારવો પડ્યો!

"સા....રી વાત." ખુશાલભાઈ પુરભભકામાં દુન્યવી અનુભવની 'બારિસ્ટરી' ચાલાવી રહ્યા હતાઃ "કહો ચંપકભાઈ, આ સાહેબને ચોખવટ કરીને સમજાવો કે જમાઈને તમે જ દેશમાંથી તેડાવ્યા છે કે નહીં? તેડાવીબે ધંધે લગાડ્યા છે કે નહીં? ને અત્યારે આ જમાઈને છેવટની બધી વિગતો જ નક્કી કરવા તેડાવેલ છે કે નહીં ?"

એ વખતે બાજુના ખંડમાં ટેલિફોનની ઘંટડી વાગી. ભાભુ પાસે બેઠેલી સુશીલા - જેને કાને ખુશાલભાઈના હાકોટાભર્યા બોલ રજેરજ અથડાતા હતા તે - ટેલિફોન પર ગઈ.એના રણકતા જતા રૂઆબી શબ્દો સંભળાતા હતાઃ

"કોણ છો તમે? - અત્યારે કામમાં છેઃ જે કહેવું હોય તે કહો. હું કોણ છું તેનું તમારે શું કામ છે? -હા જે કહો તે શેઠને કહી દઉં