પૃષ્ઠ:Vevishal.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

- બંધ કરો બંધ કરો - આવા ટેલિફોન આંહીં ન કરશો - બેશરમ! નફ્ફટ!"

આ છેલ્લા શબ્દો સાથે સુશીલાએ ટેલિફોન પર રિસીવર મૂકી દીધું.

ફરી ઘંટડી બજી, ફરી ફરી બજવા લાગી. એકબે વખત સુશીલાએ જઇને કાન માંડ્યા, તો એનો એ જ અવાજ નીકળ્યો.એ જવાબ વાળ્યા વગર જ પાછી આવીને બેસી ગઈ.

ટેલિફોન પર સુશીલાએ આવો જવાબ કોને આપ્યો? ચકિત બનેલાં ભાભુએ પૂછ્યું: "કોણ હતું?"

"હતો હરામી!"

"કોણ?" પોતાની શબ્દસંયમી ભત્રીજીના મોંમાં 'હરામી' શબ્દની ચરડાટી ભાભુને અકળાવી રહી.

"વિજયચંદ્ર!"

"શું કહે છે?

"મારા મોટા બાપુજીનું તાકીદનું કામ છે, મુશ્કેલીમાં છું - એમ કહેતો હતો. આંહીં ટેલિફોનમાંય હુકમ ચલાવવા આવ્યો'તો હરામી!"

ફરી વાર ઘંટડી ચીસો પર ચીસો પાડવા લાગી.

ચંપકલાલ શેઠના કાન તો લગભગ બહેરા બની ગયા હતા. પોલીસ-તપાસ વધુ ને વધુ બારીક બનતી હતી. એના ભેજામાં તો પોલીસ કચેરીમાં થનાર સવાલ-જવાબની જ સ્વરચંડીકાઓ રાડો નાખતી હતી. પોતાના ઘરના ટેલિફોન પ્રત્યે એ બેધ્યાન બની બેઠો હતો. એનું ધ્યાન જાય તે પૂર્વ ખુશાલે જ સુખલાલને કહ્યું:

"જો તો ભાઈ, ટેલિફોન કોનો છે?"

પેટમાં વીંટ આવતી હોય તેને દબાવી ને માણસ જેમ રાજદરબારમાં બેસી રહે તેવી અદાથી ચંપક શેઠ આ પોતાના સંસારની માલિકી લઇ બેઠેલા બે જણાને સહેતો બેઠો રહ્યો. એને ઊઠવા જતો રોકીને ખુશાલે કહ્યું: "તમે બેસો, સાહેબને પાછું એમ ન થવું જોઈએ કે આપણે કંઈ ઢાંકોઢુંબો કરી લઈએ છીએ."